પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો! સગી દીકરી પર દુષ્કર્મ આચરનાર નરાધમી પિતાને ફાંસીની સજા…

આસનસોલ, પશ્ચિમ બંગાળઃ ભારતમાં જે પ્રકારને દુષ્કર્મના કેસો વધી રહ્યાં છે તેને જોતા કડકમાં કડક કાર્યવાહી થવી અનિવાર્ય છે. 2024માં એક દીકરી સાથે દુષ્કર્મ થાય છે અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવે છે. ચોંકાવનારી વાત એ છે કે, આ દુષ્કર્મ અને હત્યા બીજા કોઈએ નહીં પરંતુ દીકરીના સગા પિતાએ કરી હતી.
જીહા, વાત છે પશ્ચિમ બંગાળના આસનસોલ શહેરની, જ્યા 14મી મે 2024ના રોજ સગીર પુત્રી પર પિતાએ દુષ્કર્મ ગુજાર્યું અને બાદમાં તેની હત્યા કરી દીધી હતી. આસનસોલનો આ દુષ્કર્મ કેસ બહુચર્ચિત માનવામાં આવે છે. આ કેસમાં કોર્ટે આરોપી પિતાને આજે ફાંસીની સજા ફટકારી છે.
સ્ટેશિયલ પોક્સો કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો
પોતાની સગી દીકરી સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરી હોવાથી પિતા સામે હિરાપુર પોલીસ સ્ટેશનમાં માતાએ ફરિયાદ નોંધાવી હતી. સ્ટેશિયલ પોક્સો કોર્ટે 15 મહિનાની લાંબી સુનાવણી બાદ આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આજે કોર્ટે આરોપી પિતાના દોષિત જાહેર કરીને ફાંસીની સજા ફટકારી દીધી છે. મહત્વની વાત એ છે કે, આસનસોલમાં પહેલી વખત કોઈ કેસમાં મોતની સજા ફટકારવામાં આવી છે.
સગા બાપે દીકરી પર દુષ્કર્મ આચર્યું અને હત્યા કરી
ઘટનાની વાત કરવામાં આવે તો, ફરિયાદમાં મૃતક દીકરીની માતાએ જણાવ્યું હતું કે, તે પોતાના પતિ અને દીકરી સાથે પશ્ચિમ બંગાળના પશ્ચિમ વર્ધમાન જિલ્લાના કચુબાગાન નામના ગામમાં રહેતી હતી. તેનો પતિ ઓટો ડ્રાઈવર છે અને તે લોકોના ઘરે સાફ-સફાઈનું કામ કરતી હતી.
જ્યારે તે કામ પરથી ઘરે આવી ત્યારે દીકરીને લોહીથી લતપથ હાલતમાં જોઈને ચોંકી ગઈ હતી. દીકરીના મોઢા અને નાકમાંથી લોહી નીકળી રહ્યું હતું. આ દરમિયાન તેનો પતિ પણ ઘરે જ હતો. બન્ને જણ દીકરીને હોસ્પિટલ લઈ ગયાં હતાં, પરંતુ ડૉક્ટેર દીકરીને મૃત જાહેર કરી દીધી હતી. માતાને આ સમગ્ર ઘટનામાં તેના પતિ પર શંકા ગઈ હતી.
ડીએનએ ટેસ્ટ દ્વારા દુષ્કર્મ અને હત્યાનો થયો પર્દાફાશ
પોલીસે જણાવ્યું હતું કે, દીકરીની માતાને પતિ પર શંકા હતી. જ્યારે દીકરીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ દુષ્કર્મ બાદ ગળું દબાવીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. પતિ પર શંકા હોવાથી જ્યારે પોલીસે ડીએનએ ટેસ્ટ કર્યું ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો અને આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી હતી. આજે કોર્ટે નરાધમી પિતાને ફાંસીની સજા ફટકારીને દીકરીને ન્યાય અપાવ્યો છે.
આ પણ વાંચો…પોક્સો કેસના આરોપીને સુપ્રીમ કોર્ટે કલમ 142નો ઉપયોગ કરી છોડી દીધો, જાણો શં છે કારણ…