રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અસદુદ્દીન ઓવૈસીનું પહેલું નિવેદન: ‘6 ડિસેમ્બરે…’
અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ સંપન્ન થઈ ગયો છે. અને હાલ દેશભરમાં દિવાળી જેવો માહોલ ઉજવાઇ રહ્યો છે. લોકો ફટાકડા ફોડીને દિપક પ્રગટાવી રહ્યા છે. તેવામાં AIMIMના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીનું (Asaduddin Owaisi) નિવેદન સામે આવ્યું છે.
6 दिसंबर के दिन को जो लोग भूल जाने को कहते हैं मैं उनसे कहना चाहता हूँ "तुम, तुम्हारे बाप या माँ की मौत को भूल सकते क्या?"
— Asaduddin Owaisi (@asadowaisi) January 22, 2024
pic.twitter.com/n5svHdOr8V
અસદુદ્દીન ઓવૈસીએ પોતાના ઓફિશિયલ X હેન્ડલ પર એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તે આડકતરી રીતે બાબરી મસ્જિદનો ઉલ્લેખ કરીને ખેદ વ્યક્ત કરતા જોવા મળે છે. ઓવૈસીએ સોમવારે (22 જાન્યુઆરી) સાંજે 6:45 વાગ્યે પોતાના X હેન્ડલ પર આ વીડિયો અપલોડ કર્યો હતો.
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “અફસોસ એ વાતનો છે કે 6 ડિસેમ્બર વિશે કોઈ વાત કરતું નથી… જ્યારે તમે આ બધા રાજકીય પક્ષોને પૂછશો કે કેમ કઈ બોલતા નથી, તો તેઓ કહે છે – અરે ભાઈ તમે ભાઈ ભૂલી જાઓ ને.” હું આ લોકોને પૂછું છું, શું તમે તમારા પિતાના મૃત્યુને ભૂલી શકો છો? શું તમે તમારી માતાના મૃત્યુને ભૂલી શકો છો? તમે સિસ્ટમેટિક રીતે આ મસ્જિદ છીનવી લીધી અને ઘણા મુદ્દાઓ ઉભા થઈ ગયા.
અસદુદ્દીન ઓવૈસીએ તાજેતરમાં કર્ણાટકના કલબુર્ગીમાં વાત કરતાં રામ મંદિર પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે મુસ્લિમો 500 વર્ષથી નમાઝ પઢે છે અને બાબરી મસ્જિદ એક વ્યવસ્થિત ષડયંત્ર દ્વારા છીનવી લેવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે કોંગ્રેસના જીબી પંત યુપીમાં સીએમ હતા ત્યારે રાતના અંધારામાં મૂર્તિઓ ત્યાં મૂકવામાં આવી હતી. ઓવૈસીએ કહ્યું કે તે સમયે ત્યાંના કલેક્ટર નાયર હતા, જેમણે મસ્જિદ બંધ કરીને પૂજા શરૂ કરી હતી.
તમને જણાવી દઈએ કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે પરંતુ ગર્ભગૃહ તૈયાર છે. રામ મંદિરના ગર્ભગૃહમાં રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠાના વિશેષ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસના વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વગેરે હાજર રહ્યા હતા. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ આ કાર્યક્રમથી પોતાને દૂર રાખ્યા હતા.