નીતિશના નિવેદન પર ભડક્યા ઓવૈસી અને કહી આ વાત…
હૈદરાબાદ: બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારના મહિલાઓ પરના નિવેદન પર AIMIM ના ચીફ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી ભડકી ગયા છે. એમણે કહ્યું કે, નીતીશ કુમારનું નિવેદન વલ્ગર છે. વિધાનસભા પવિત્ર સ્થળ છે. એ કોઇ રસ્તા પર બેસીને કે કોઇના ઘરે બેસીને ગુફ્તગૂ કરવાની જગ્યા નથી. જોકે નીતિશ કુમારે વિઘાનસભાની અંદર અને બહાર બંને જગ્યાએ પોતાના નિવેદન પર દુ:ખ વ્યક્ત કરીને લોકોની માફી માંગી છે.
ઓવૈસીએ કહ્યું કે, તેઓ એક રાજ્યના મુખ્ય પ્રધાન છે. ત્યાં તેઓ જે રીતે બોલ્યા એ એક વલ્ગર ભાષા છે. એની જગ્યાએ તેઓ કહી શક્યા હોત કે મહિલાઓ જેટલું વધારે ભણશે ત્યાર બાદ તે નક્કી કરી શકશે કે બાળકને જન્મ ક્યારે આપવો છે. સારી ભાષાનો ઉપયોગ કરવાને બદલે તેમણે જે રીતે આ વાતને ડિસ્ક્રાઇબ કરી છે તે જરા પણ યોગ્ય નથી.
ઓવૈસીએ વધુમાં કહ્યું કે, તેમણે એ વાતનો ખ્યાલ રાખવો જોઇતો હતો કે પોતે કઇ જગ્યાએ ઊભા છે. એ બિહારની વિધાનસભા છે, કોઇ સિનેમા હોલ નથી કે જ્યાં લોકો ફિલ્મ જોવા આવ્યા હોય, જેને એડલ્ટ સર્ટીફીકેટ અપાયું હોય, તેમણે આ સમજવું જોઇતું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે બિહાર વિધાનસભામાં બોલતી વખતે નીતિશ કુમારે જનસંખ્યા નિયંત્રણના સિદ્ધાંતો સમજાવ્યા હતાં. નીતિશ કુમારે જાતી સર્વેક્ષણ રિપોર્ટ પર વિસ્તૃત વાત કરતાં કહ્યું કે, મહિલાઓની શિક્ષાએ રાજ્યમાં જનસંખ્યા નિયંત્રણમાં મદદ કરી છે. પછી નીતિશ કુમારે આ અંગે વિસ્તારમાં વાત કરી જે સાંભળીને બધા જ હેરાન રહી ગયા. અને નીતિશ કુમારનું એ નિવેદન ઝડપભેર વાઇરલ થઇ ગયું હતું.