એર ઈન્ડિયા એક્સપ્રેસ અને કર્મચારીઓ વચ્ચેનો ડખો થાળે પડ્યો, મેનેજમેન્ટએ લીધો આ મોટો નિર્ણય

નવી દિલ્હી: એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express)ની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એરલાઈન તમામ બરતરફ કરાયેલા કેબિન ક્રૂ સભ્યોને ફરીથી નોકરી પર રાખવા માટે સંમત થઈ છે. તમામને તાત્કાલિક નોકરી પર રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
કર્મચારીઓ પણ કામ પર પાછા ફરવા સંમત થયા છે. ચીફ લેબર કમિશનર દ્વારા આજે બપોરે 2 વાગ્યે બેઠક બોલાવવામાં આવી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસ મેનેજમેન્ટ અને વિરોધ કરી રહેલા ક્રૂ વચ્ચે બેઠક થઈ હતી.
ટાટા ગ્રૂપ (Tata Group)ની એરલાઈન એર ઈન્ડિયાની પેટાકંપની એર ઈન્ડિયા એક્સપ્રેસમાં બધું બરાબર નથી. બે દિવસ પહેલા, લગભગ 300 ક્રૂ મેમ્બર્સ એક સાથે માંદગીની રજા (Sick Leave) પર ઉતરી ગયા હતા, જેના કારણે ઘણી ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.
આ ઘટના બાદ એરલાઈને મોટું પગલું ભર્યું હતું અને 25 કર્મચારીઓને ટર્મિનેશન લેટર મોકલ્યા હતા, પરંતુ હવે મીટિંગના લગભગ 10 કલાકની અંદર એરલાઈને પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે અને તમામ ટર્મિનેટ કરાયેલા કર્મચારીઓને ફરીથી નોકરી પર રાખવાનો આદેશ આપ્યો છે.
મંગળવારે રાતથી એર ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈનમાં હડકંપ મચી ગઈ હતી, કંપનીએ કહ્યું હતું કે તેના ઘણા સિનિયર ક્રૂ મેમ્બરોએ અચાનક બીમારીની રજા (Sick Leave) પર ઉતરી ગયા છે. એવું કહેવામાં આવ્યું હતું કે લગભગ 300 ક્રૂ મેમ્બરોએ રજા લીધી છે.
ક્રૂની અછતને કારણે, ફ્લાઇટ્સનું ઓપરેશન પ્રભાવિત થયું હતું અને 90 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી, જેમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. જ્યારે ગુરુવારે પણ સ્ટાફની અછતને કારણે એર ઈન્ડિયા એક્સપ્રેસની 85 ફ્લાઈટ કેન્શલ કરવામાં આવી હતી.
એર ઈન્ડિયા કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓ એરલાઈનથી નાખુશ જણાય છે. પીટીઆઈના રિપોર્ટ મુજબ, ક્રૂ મેમ્બરોએ એરલાઈન પર મિસમેનેજમેન્ટનો આરોપ લગાવી ચુક્યા છે.
એર ઈન્ડિયાના મર્જરની પ્રક્રિયા શરૂ થતાં કંપની અને કર્મચારીઓ વચ્ચે વિવાદ વધી ગયો છે. કેટલાક કેબિન ક્રૂ મેમ્બરોએ પણ આ એરલાઇન પર ભેદભાવનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત કર્મચારીઓએ પગાર ભથ્થા અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે.