મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ગઈકાલે ખાસ કરીને અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ડૉલર ઈન્ડેક્સમાં ૦.૩ ટકા જેટલો ઘટાડો જોવા મળતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ વધીને એક સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના નિર્દેશ મળતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું, જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૮૩થી ૪૮૫નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૩નો સાધારણ સુધારો આવ્યો હતો.
દરમિયાન ગત ઑક્ટોબર મહિનામાં સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનની હૉંગકૉંગ મારફતે સોનાની ચોખ્ખી આયાતમાં આગલા સપ્ટેમ્બર મહિનાની સરખામણીમાં ૪.૬ ટકાનો અને ઑક્ટેબર, ૨૦૨૩ની સરખામણીમાં ૪૩ ટકાનો ઘટાડો થયો હોવાનું એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
ધુમાં ગઈકાલે અમેરિકા અને ફ્રાન્સ ઈરાન સમર્થિત જૂથ હિઝબુલ્લાહ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ કરાવવામાં સફળ રહ્યાના અહેવાલ હતા. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ૯૯૯ ટચ ચાંદીમાં વિશ્ર્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની ઘટ્યા મથાળેથી નીકળેલી લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૩ વધીને રૂ. ૮૮,૪૩૦ના મથાળે રહ્યા હતા.
તે જ પ્રમાણે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની ખપપૂરતી માગને ટેકે ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૮૩ વધીને રૂ. ૭૫,૮૭૦ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૮૫ વધીને ફરી રૂ. ૭૬,૦૦૦ની સપાટી પાર કરીને રૂ. ૭૬,૧૭૫ના મથાળે રહ્યા હતા.
ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ડૉલરની ઈન્ડેક્સની નરમાઈને ટેકે એક તબક્કે સોનાના ભાવ વધીને એક સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં આગલા બંધ સામે ૦.૮ ટકા વધીને ઔંસદીઠ ૨૬૫૩.૨૦ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ આગલા બંધ સામે ૧.૨ ટકા વધીને ૨૬૫૩.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૩૦.૪૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આગામી દિવસોમાં જ્યાં સુધી અમેરિકી ફેડરલ રિઝર્વનું નીતિવિષયક વલણ, ટેરિફ અને વેરાની સ્પષ્ટતાઓ નહીં થાય ત્યાં સુધી અમેરિકાના આર્થિક ડેટાની જાહેરાત અને ડૉલરની વધઘટ અનુસાર સોનામાં વધઘટ જોવા મળશે, એમ કેપિટલ ડૉટ કૉમના ફાઈનાન્સિયલ એનાલિસ્ટ ક્યેલ રોડ્ડાએ જણાવ્યું હતું.
જોકે, ગઈકાલે રોકાણકારોએ અમેરિકી અર્થતંત્રમાં મજબૂત વલણ જળવાઈ રહ્યું હોવાના ગઈકાલના અહેવાલને પચાવી લીધા બાદ હવે તેઓની નજર આજે મોડી સાંજે જાહેર થનારા પર્સનલ કન્ઝ્મ્પશન એક્સ્પેન્ડિચરના, બેરોજગારીના અને જીડીપીના સુધારિત ડેટા પર સ્થિર થઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
Also Read – મિડિયમ ગ્રેડની ખાંડમાં રૂ. ૪૨ની પીછેહઠ: કેન્દ્રની કોશિશ કામ ન લાગી
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૬૩ ટકા શક્યતા આજે ટ્રેડરો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર મૂકી રહ્યા હતા. જોકે, ટ્રમ્પ દ્વારા થઈ રહેલી નિયુક્તિઓ અને તેમની નીતિઓ ફેડરલ રિઝર્વ પર દબાણ લાવશે, ખાધ અને ટેરિફમાં વધારા જેવા પગલાંથી અમેરિકામાં નાણાકીય અસ્થિરતા સર્જે તેવી શક્યતાઓને ધ્યાનમાં લેતાં ભવિષ્યમાં સોનામાં સુધારાને ટેકો મળતો રહેશ, એમ ગોલ્ડમેન સાશના ગ્લોબલ કૉમૉડિટી રિસર્ચ વિભાગના કૉ હેડ દાન સ્ટ્રુવેને જણાવ્યું હતું.