સંજય સિંહની મુશ્કેલીઓ વધી શકે છે, EDએ તેમના નજીકના સાથીઓને સમન્સ પાઠવ્યા
કથિત દિલ્હી લિકર પોલિસી કોભાંડ કેસમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ઈડી) સંજય સિંહના નજીકના સહયોગીઓને સમન્સ જારી કર્યા છે. કોર્ટે સંજયસિંહને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યા છે. આવી સ્થિતિમાં, EDએ આ કેસમાં પુરાવા એકત્રિત કરી રહી છે. સંજય સિંહના નજીકના સર્વેશ મિશ્રા અને વિવેક ત્યાગીને સમન્સ પાઠવવામાં આવ્યા છે. તેમની રૂબરૂ પૂછપરછ કરવામાં આવશે. અહેવાલો અનુસાર સંજય સિંહે સર્વેશને 1 કરોડ રૂપિયા આપ્યા હોવાના આરોપ છે.
આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહને 10 ઓક્ટોબર સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. EDએ આ કેસમાં 10 દિવસની કસ્ટડીની માંગણી કરી હતી. જોકે, સુનાવણી દરમિયાન કોર્ટે ED સમક્ષ અનેક સવાલો ઉઠાવ્યા હતા. સંજય સિંહને રાઉઝ એવન્યુ કોર્ટમાં વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલ સમક્ષ કડક સુરક્ષા હેઠળ હાજર કરવામાં આવ્યા હતા. EDએ સંજય સિંહના 10 દિવસના રિમાન્ડની માંગણી કરતા કહ્યું કે તેઓ આ કેસમાં સંપૂર્ણ રીતે સંડોવાયેલા છે.
EDના વકીલે કહ્યું કે સંજય સિંહના ઘરેથી ઘણા દસ્તાવેજો મળી આવ્યા છે. સાક્ષીઓ અને અન્ય આરોપીઓની રૂબરૂ પૂછપરછ કરવા રિમાન્ડ મંજૂર કરવા જોઈએ. કોર્ટે EDને સવાલ કર્યો કે આ કેસ ઘણો જૂનો છે અને જો તમારી પાસે પુરાવા હતા તો ધરપકડમાં આટલો વિલંબ કેમ થયો.
EDના વકીલે કહ્યું કે સાક્ષીઓના નિવેદનના આધારે ધરપકડ કરવામાં આવી છે. સરકારી સાક્ષીના નિવેદનો હાલમાં જ લેવાયા છે. સાક્ષી દિનેશ અરોરા સંજય સિંહની નજીક ગણાય છે. EDએ આ કેસમાં 239 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આરોપ છે કે સંજયના ઘરે બે વખત કરોડો રૂપિયાની લેવડદેવડ થઈ હતી. સંજયના કર્મચારી સર્વેશે પૈસા લીધા છે. સંજય સિંહના ફોનમાંથી ડેટા મળી આવ્યો છે.
સંજય સિંહના વકીલે રિમાન્ડનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ED પાસે એક પણ પુરાવા નથી. તેમણે આને રાજકીય મામલો ગણાવ્યો હતો. મોહિતે કહ્યું કે એક વર્ષથી તપાસ ચાલી રહી હોવા છતાં કોર્ટ સમક્ષ કોઈ પુરાવા મૂકવામાં આવ્યા નથી. એકમાત્ર સાક્ષી દિનેશ અરોરાના નિવેદનના આધારે તેના અસીલને બનાવટી કેસમાં ફસાવવામાં આવ્યા છે.