નેશનલ

અરવિંદ કેજરીવાલ પછી કોણ…ભાજપે આક્ષેપ કર્યો છે કે…

નવી દિલ્હીઃ નવી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે અચાનક જ જાહેરાત કરી છે કે તે બે દિવસ બાદ મુખ્ય પ્રધાનપદ પરથી રાજીનામું આપી દેશે. આમ તો કોર્ટે તેમને જામીન આપતી વખતે તેમના મુખ્ય પ્રધાનપદ તરીકેના હકો આપ્યા નથી, પણ કેજરીવાલે સામેથી રાજીનામું ધરી માસ્ટર સ્ટ્રોક માર્યાનું કહેવાય છે. કેજરીવાલે કહ્યું છે કે તે ઘરે ઘરે જશે અને લોકોને પૂછશે કે તેમને ભ્રષ્ટાચારી માને છે કે નહીં, જો લોકો તેમને નિર્દોષ કહેશે તો જ તેઓ આ પદ પર પાછા બેસશે. તેમણે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પણ છએક મહિના વહેલી કરવાની વાત કરી.

હવે સવાલ એ છે કે કેજરીવાલ જો મુખ્ય પ્રધાનપદથી રાજીનામું આપશે તો તેમની જગ્યાએ કોણ બેસશે. કેજરીવાલ બાદ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાનું નામ બહાર આવે તે સ્વાભાવિક છે, પણ કેજરીવાલે ચૂંટણી સુધી સિસોદીયા પણ કોઈ પદ પર નહીં રહે તેવી જાહેરાત કરી છે. હવે આપની વિધાનસભ્યોની બેઠકમાં નવું નામ બહાર આવશે.

આ સમયે ભાજપે એવો આક્ષેપ કર્યો છે કે કેજરીવાલ પત્ની સુનીતાને મુખ્ય પ્રધાનની સિટ પર બેસાડવા માગે છે. કોર્ટે તેમની પાસેથી નિર્ણયો લેવાના હક છીનવી લીધા છે એટલે તેમની પાસે રાજીનામું આપ્યા સિવાય કોઈ ચારો નથી.

બીજી બાજુ આપના નેતા કેજરીવાલના આ નિર્ણયને વધાવી રહ્યા છે અને તેઓ સત્તાના ભૂખ્યા નથી તે તેમણે સાબિત કરી દીધું છે, તેવો પ્રચાર થઈ રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button