અરવિંદ કેજરીવાલ નહિ લડે રાજ્યસભાની ચૂંટણી; પંજાબથી આ ઉમેદવારને આપી ટિકિટ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીએ (AAP) પંજાબમાં ખાલી પડેલી રાજ્યસભાની બેઠક (Rajya Sabha candidate) માટે પોતાના ઉમેદવારના નામ પર અંતિમ મહોર મારી દીધી છે. પાર્ટીએ રાજ્યસભાની બેઠક માટે રાજીન્દર ગુપ્તાને (Rajinder Gupta) ઉમેદવાર જાહેર કર્યા છે. આપની આ જાહેરાત સાથે જ પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ચૂંટણી લડશે તેવી અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રાજીન્દર ગુપ્તા આવતીકાલે ઉમેદવારી નોંધાવી શકે છે.
જાણકારી મુજબ, આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટીએ સર્વસંમતિથી રાજિંદર ગુપ્તાના નામ પર મહોર લગાવી દીધી છે. જણાવી દઈએ કે રાજિંદર ગુપ્તા પંજાબ યોજના બોર્ડના વાઇસ ચેરમેન હતા. એક દિવસ પહેલા જ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમને 2022માં AAP સરકાર દ્વારા યોજના બોર્ડના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા હતા, અને આ વર્ષે ઓગસ્ટમાં તેમને શ્રી કાલી દેવી મંદિર સલાહકાર સમિતિના પ્રમુખ પણ બનાવવામાં આવ્યા હતા.
આ પહેલા પણ, તેમણે કોંગ્રેસ અને અકાલી-ભાજપ ગઠબંધન સરકારો દરમિયાન યોજના બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે કાર્ય કર્યું છે, અને તેમને ઘણી વખત કેબિનેટ પ્રધાન સ્તરનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. તેમનો લાંબો અનુભવ અને પ્રભાવશાળી નેટવર્ક તેમને પંજાબની રાજનીતિમાં એક મજબૂત ચહેરો બનાવે છે.
આ પણ વાંચો…ગુજરાતમાં ભારે વરસાદના લીધે ચોટીલામાં યોજાનારી અરવિંદ કેજરીવાલની રેલી રદ