
નવી દિલ્હીઃ સતત આઠ વાર ગેરહાજર રહ્યા બાદ નવી દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પક્ષના સંયોજક અરવિંદ કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પાસે તારીખ માગી છે અને એમ પણ કહ્યું છે કે તેમણે મોકલેલા સમન્સ ગેરકાયદેસર છે, તેમ છતાંતેઓ ઈડીના સવાલોના જવાબ આપવા માટે તૈયાર છે.
કેજરીવાલે ED પાસે 12 માર્ચ પછીની તારીખ માંગી છે. કેજરીવાલે કહ્યું છે કે તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સવાલોના જવાબ આપશે. EDએ સીએમ કેજરીવાલને આઠમું સમન્સ જારી કર્યું હતું અને તેમને 4 માર્ચે હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.
અગાઉ, તપાસ એજન્સીએ 22 ફેબ્રુઆરીએ દિલ્હીના મુખ્ય પ્રધાનને સાતમી નોટિસ જારી કરી હતી. ત્યારબાદ સીએમ કેજરીવાલને 26 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે, AAPએ નોટિસને ગેરકાયદેસર ગણાવી હતી અને એજન્સીને કોર્ટના નિર્ણયની રાહ જોવાનું પણ કહ્યું હતું.
22 માર્ચ, 2021 ના રોજ, મનીષ સિસોદિયાએ દિલ્હીમાં નવી દારૂ નીતિની જાહેરાત કરી હતી. 17 નવેમ્બર 2021 ના રોજ, નવી દારૂ નીતિ એટલે કે આબકારી નીતિ 2021-22 લાગુ કરવામાં આવી હતી. નવી પોલીસી લાવ્યા બાદ સરકાર દારૂના ધંધામાંથી બહાર આવી, ત્યારબાદ તમામ દારૂની દુકાનો ખાનગી હાથમાં ગઈ. આ નીતિ લાવવા પાછળ સરકારનો તર્ક હતો કે તેનાથી માફિયા શાસનનો અંત આવશે અને સરકારની આવકમાં વધારો થશે. જોકે, નવી નીતિ શરૂઆતથી જ વિવાદમાં રહી હતી અને હોબાળો થતાં નવી નીતિ રદ કરી જૂની નીતિ લાગુ પણ કરી દેવામાં આવી હતી.
ભાજપના નેતા હરીશ ખુરાનાએ સીએમ કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કે દર વખતની જેમ આ વખતે પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આઠમા સમન્સને ટાળી રહ્યા છે. તેમણે સવાલ કર્યો છે કે અરવિંદ કેજરીવાલે 12 માર્ચે કોઈ શુભ સમય નક્કી કર્યો છે, જેથી તેઓ આ તારીખ માગી રહ્યા છે.