દિલ્હી વિધાનસભા ચૂંટણીનાં પરિણામ 27 વર્ષે ભાજપે સત્તા હાંસલ તો કરી, પણ…

-વિજય વ્યાસ
ભાજપના આ વિજયમાં મહત્ત્વની વાત એ છે કે, ‘આપ’ના કર્તા-હર્તા એવા અરવિંદ કેજરીવાલ પોતે ચૂંટણી હારી ગયા છે અને એમના નાયબ મુખ્ય પ્રધાન રહેલા મનિષ સિસોદિયા પણ ઘરભેગા થયા છે.
છેલ્લા કેટલાક મહિના પહેલાં જ દિલ્હીના મુખ્ય પ્રધાનપદે આવેલાં આતિશી અને ગોપાલ રાય જેવા ગણ્યાગાંઠ્યા નેતાઓને બાદ કરતાં ‘આમ આદમી પાર્ટી’ના મોટા ભાગના ટોચના નેતાઓને પછાડવામાં ભાજપ ધાર્યા કરતાં વધુ સફળ થયો છે.
દિલ્હીમાં સુષ્મા સ્વરાજના નેતૃત્વમાં ભાજપ 1998માં શીલા દીક્ષિતની કૉંગ્રેસ સામે હારેલો એ સાથે જ ભાજપનો વનવાસ શરૂ થયેલો, પણ એ લાંબો વનવાસ પણ આ જીત સાથે પૂરો થયો છે.
દિલ્હીમાં છેલ્લાં 27 વર્ષથી ભાજપ સત્તામાં નહોતો. 1998થી સળંગ 15 વર્ષ માટે કોંગ્રેસનાં શીલા દીક્ષિત મુખ્ય પ્રધાનપદે રહ્યાં પછી ‘આમ આદમી પાર્ટી’ના અરવિંદ કેજરીવાલનો યુગ શરૂ થયેલો.
કેજરીવાલે નવીસવી બનાવેલી ‘આમ આદમી પાર્ટી’ 2013ની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી નહોતી મેળવી શકી તેથી કૉંગ્રેસના ટેકાથી બનાવેલી સરકાર ત્રણ મહિનામાં ઘરભેગી થયેલી, પણ 2015 અને 2020માં સ્પષ્ટ બહુમતી મળતાં તો સળંગ 10 વર્ષથી ‘આમ આદમી પાર્ટી’નું સળંગ શાસન રહ્યું હતું. કેજરીવાલ સળંગ ત્રીજી વાર જીત મેળવીને હેટ્રિક કરવા થનગનતા હતા, પણ એમની મહેચ્છા ભાજપના કારણે મનની મનમાં રહી ગઈ છે.
આપણ વાંચો: Breaking News: પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પણ હાર
કેજરીવાલ આમ તો રાજકીય દાવપેચના જોરદાર ખેલાડી છે તેથી ભાજપ કેજરીવાલને હરાવી શકશે કે નહીં એ સવાલ પણ ઘણા સમયથી પુછાતો હતો, પણ ભાજપે હામ હાર્યા વિના કેજરીવાલ સામે જંગ ચાલુ રાખ્યો તેમાં છેવટે સફળતા મળી છે.
ભાજપે 2020ની ચૂંટણી વખતે ઉગ્ર હિંદુત્વના મુદ્દે કેજરીવાલને હરાવવાની રણનીતિ અમલમાં મૂકી હતી, પણ એ વ્યૂહરચના ચાલી નહોતી એટલે આ વખતે ભાજપે ગિયર બદલીને દિલ્હીના મુખ્ય પ્રધાન જે ખુદ ભ્રષ્ટાચારી હોવાનો મુદ્દો અને લિકર સ્કેમ તથા શીશ મહેલ સહિતના મુદ્દા ચગાવ્યા હતા. ‘કેજરીવાલે લોકોને શિક્ષણ અને આરોગ્ય સેવાઓ આપવાના નામે ઉલ્લુ બનાવ્યા છે’ એ મુદ્દે જોરદાર પ્રચાર કરીને ભાજપ ચૂંટણી લડ્યો ને એ ફળ્યો પણ ખરો.
જોકે ભાજપની જીતમાં ચૂંટણી ઢંઢેરામાં આપેલાં વચનોનો ફાળો વધારે છે કેમ કે ભાજપે સમાજના કોઈ વર્ગને બાકી નહોતો રાખ્યો. મહિલાઓથી માંડીને બેરોજગારો સુધીના બધાને એમના ખાતામાં દર મહિને રકમ જમા કરાવવાની લાલચ આપીને ભાજપે કેજરીવાલ સામે એમનો જ દાવ અજમાવીને મફત વીજળી, બસ અને પાણીની ‘આમ આદમી પાર્ટી’ સરકારની યોજનાઓ ચાલુ રાખવા ઉપરાંત બીજી અનેક રાહતોનાં વચનોની લહાણી પણ છૂટ્ટે હાથે કરી હતી.
આપણ વાંચો: Delhi Election પૂર્વે અરવિંદ કેજરીવાલે કરી ચૂંટણી પંચ સાથે બેઠક, કરી આ રજૂઆત
કેજરીવાલ દ્વારા અપાતી રાહતનાં વચનો તો ‘રેવડી’ છે, એમ કહીને મજાક ઉડાવનારા નરેન્દ્ર મોદીના ભાજપે લોકોને લોભાવવા માટે એકવાર નહીં, ત્રણ-ત્રણ વાર સંકલ્પપત્ર બહાર પાડ્યા હતા. આ સંકલ્પપત્રો દ્વારા ભાજપે મહિલાઓને દર મહિને 2500 રૂપિયા, ગરીબ મહિલાઓને સિલિન્ડર પર 500 રૂપિયા સબસિડી, હોળી-દિવાળી પર એક-એક સિલિન્ડર મફત આપવાની જાહેરાત કરીને મહિલાઓને પોતાની તરફ વાળવા કરેલી કોશિશ ફળી છે.
ભાજપ તરફથી ‘માતૃ સુરક્ષા વંદના’ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 21,000 રૂપિયા અને 6 પોષણ કિટ્સ પણ આપવામાં આવશે. એ જ રીતે, વૃદ્ધોને પોતાની તરફ ખેંચવા 60-70 વર્ષના લોકોનું પેન્શન 2000 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા ઉપરાંત વિધવાઓ, વિકલાંગો અને 70 વર્ષથી ઉપરના વૃદ્ધોને 3000 રૂપિયાનું પેન્શન આપવાનું વચન પણ ભાજપે આપેલું. એ જ રીતે ‘અટલ કેન્ટિન યોજના’ હેઠળ ઝૂંપડપટ્ટીમાં ગરીબોને 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન, સરકારી સંસ્થાઓમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કેજીથી પીજી સુધી મફત શિક્ષણનું વચન પણ જાહેર કરેલું.
એટલું જ નહીં , યુવાનોને આકર્ષવા યુપીએસસીની પરીક્ષા આપનાર ઉમેદવારોને એકવાર 15 હજાર રૂપિયાની સહાય, પોલિટેકનિક અને સ્કિલ કેન્દ્રોમાં અભ્યાસ કરતા એસસી વિદ્યાર્થીઓને બાબાસાહેબ આંબેડકરના નામે 1,000 રૂપિયાનું માસિક સ્ટાઇપેન્ડ, ઘરેલુ નોકરાણીઓના કલ્યાણ માટે બોર્ડ, ઘરેલુ નોકરો અને ઑટો-ટૅક્સી ડ્રાઇવરો માટે રૂ. 10 લાખનો વીમો અને રૂ. પાંચ લાખનું અકસ્માત કવર ઉપરાંત નોકરાણીઓને છ મહિનાની પેઇડ મેટરનિટી લીવ આપવાનાં વચન આપ્યાં છે.
આપણ વાંચો: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડધમ શાંત, અરવિંદ કેજરીવાલે કર્યો આટલી બેઠકોનો દાવો
આ ઉપરાંત સ્વતંત્ર કૉન્ટ્રાક્ટરો, કામદારોને જીવન અને અકસ્માત વીમો, બાંધકામ કામદારોને 10,000 રૂપિયા સુધીની ટૂલકિટ, 3 લાખ રૂપિયા સુધીની લોન, યુવાનો માટે 50,000 સરકારી નોકરીઓ, 20 લાખ રોજગાર અને સ્વરોજગારની તકો, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મેટ્રોમાં મફત મુસાફરી સહિતનાં ઢગલાબંધ વચનો મન મૂકીને ભાજપે આપેલાં.
આ પહેલાં હરિયાણા અને મહારાષ્ટ્રમાં આ પ્રકારનાં વચનો આપીને ભાજપે જીત મેળવી હતી તેથી દિલ્હીમાં પણ આ દાવ સફળ થશે એવો ભાજપને ભરોસો હતો, જે ખરેખર સાચો પડ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો ભાજપે કેજરીવાલને એમની જ દવાનો ડોઝ આપીને પછાડી દીધા છે.
અહીં એક બીજી મહત્ત્વની વાત એ છે કે, બહુ લાંબા સમય પછી એક્ઝિટ પોલનો વરતારો સાચો પડ્યો. પાંચ ફેબ્રુઆરીના મતદાન પત્યું પછી આવેલા 10 એક્ઝિટ પોલમાંથી 8 એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી મળશે એવી આગાહી કરવામાં આવી હતી, જ્યારે 2 એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટી (AAP))ની સરકાર બનશે એવો દાવો થયો હતો.
એક્ઝિટ પોલમાં ભાજપને મહત્તમ 60 બેઠકો મળશે એવી આગાહી હતી, પણ મોટા ભાગના પોલ ભાજપને પચાસેક બેઠક અને કેજરીવાલની પાર્ટીને વીસેક બેઠક મળશે એવી આગાહી કરતા હતા.
આપણ વાંચો: Budget 2025: અબજોપતિઓની લોનમાફી રદ કરવાના પ્રસ્તાવમાં સ્થાન ન મળતાં નિરાશ: અરવિંદ કેજરીવાલ
કૉંગ્રેસ ખાતું નહીં ખોલી શકે ને બહુ જોર કરીને બહુબહુ તો એક-બે બેઠકો મેળવશે એવી પણ એક્ઝિટ પોલની આગાહી હતી. ચૂંટણી પંચ છેલ્લે પરિણામો જાહેર કરશે ત્યારે મોટા ભાગે આ જ પ્રકારનાં પરિણામ આવશે એવું લાગે છે એ જોતાં એક્ઝિટ પોલવાળા આ વખતે સાચા પડ્યા એમાં તેમની આબરૂ પણ સચવાઈ ગઈ છે.
ભાજપમાંથી મુખ્ય પ્રધાનપદનો કળશ કોના પર ઢોળાય છે એ જોવાનું રહે છે કેમ કે દિલ્હી ભાજપમાં ‘એક અનાર સો બીમાર’ જેવી હાલત છે. મનોજ તિવારીથી માંડીને કેજરીવાલને હરાવનારા પ્રવેશ વર્મા સુધીના ઢગલાબંધ દાવેદારો છે તેથી ભાજપ કોની પસંદગી કરે છે એ જોવાનું રહે છે.
1993માં દિલ્હી રાજ્ય બન્યું પછી પહેલી ચૂંટણીમાં જીતીને સરકાર ભાજપે બનાવેલી અને મદનલાલ ખુરાના મુખ્ય પ્રધાન બનેલા. ખુરાના ભાજપના દિગ્ગજ નેતા હતા, પણ ભાજપમાં જ જાટ નેતાઓએ એમની સામે બાંયો ચડાવતાં ખુરાનાને બદલીને સાહિબસિંહ વર્માને મુખ્ય પ્રધાન બનાવવામાં આવેલા, પણ વર્મા વર્સીસ ખુરાના કૅમ્પનો ઝઘડો ચાલુ રહેતાં છેવટે ચૂંટણીના બે મહિના પહેલાં સુષ્મા સ્વરાજને ગાદી સોંપાયેલી.
સુષ્મા લોકપ્રિય હતાં, પણ એમની પાસે કશું કરવાનો સમય જ નહોતો તેથી એ ભાજપને જિતાડી શક્યાં નહોતાં. એ પછી ભાજપનાં એવાં વળતાં પાણી થયાં કે, 27 વર્ષ સત્તામાંથી બહાર રહેવું પડ્યું.
હવે સત્તા મળી છે ત્યારે ભાજપે કોઈ એવા માણસને મુખ્ય પ્રધાનપદે બેસાડવો પડે કે જે બધાં જૂથોને એક રાખી શકે અને ‘આમ આદમી પાર્ટી’ને પણ ખાળી શકે. ભાજપે હાથમાં આવેલી સત્તા જાળવવા માટે વચનોનું પાલન અને સારી નેતાગીરી એ બે વાત પર વિશેષ ધ્યાન આપવું પડશે.