Delhi Liquor Policy Scam: EDએ અરવિંદ કેજરીવાલને 7મું સમન્સ મોકલ્યું, આ તારીખે હાજર થવા જણાવ્યું
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસીમાં કથિત કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED)એ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને 7મી વખત સમન્સ મોકલીકલી સોમવારે 26મી ફેબ્રુઆરીના રોજ પૂછપરછ માટે બોલાવ્યા છે. ED પૂછપરછ માટે કેજરીવાલને 6 સમન્સ મોકલી ચુકી છે, પરંતુ અરવિંદ કેજરીવાલ એક પણ વાર હાજર થયા નથી, તેમણે સમન્સને ગેરકાયદે ગણાવ્યું છે.
અગાઉ, ED દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના સંદર્ભમાં, તેમને ED કોર્ટ સમક્ષ વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેની ફરિયાદમાં કહ્યું હતું કે કેજરીવાલ એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમને મોકલવામાં આવેલા સમન્સની અવગણના કરી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલે કોર્ટમાં પોતાની અરજીમાં કહ્યું હતું કે દિલ્હી વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને તે માર્ચ 2024ના પહેલા સપ્તાહ સુધી ચાલશે, તેથી તેઓ કોર્ટમાં હાજર થઈ શકશે નહીં. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, “દિલ્હીના મુખ્યપ્રધાન દિલ્હી વિધાનસભામાં ગૃહના નેતા હોવાને કારણે તેમણે વિધાનસભા સત્રમાં ભાગ લેવો પડે છે. આવી સ્થિતિમાં, વિનંતી કરવામાં આવે છે કે તેમને આજની વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપવામાં આવે જેથી કરીને તેઓ તેમની સત્તાવાર ફરજો નિભાવી શકે અને મામલો બજેટ સત્રના સમાપન સુધી એટલે કે માર્ચના પ્રથમ સપ્તાહ સુધી મુલતવી રાખવામાં આવે.”
ફરિયાદમાં, EDએ આરોપ લગાવ્યો છે કે દિલ્હીના મુખ્ય પ્રધાન ઇરાદાપૂર્વક સમન્સની અવગણના કરી રહ્યા છે અને “બિનજરૂરી બહાના” બનાવી રહ્યા છે. ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે જો તેમના જેવા ઉચ્ચ હોદ્દાનો જનપ્રતિનિધિ કાયદાનો અનાદર કરશે તો તે સામાન્ય લોકો માટે ખોટો દાખલો બેસાડશે.
અરવિંદ કેજરીવાલે અગાઉ EDને પત્ર લખ્યો હતો, જેમાં તેમને સમન્સને “ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત” ગણાવ્યા હતાં. તેમણે આરોપ લગાવ્યો હતો કે સમન્સનો હેતુ તેમને ચૂંટણી પ્રચાર કરતા રોકવાનો હતો.
EDએ કેજરીવાલને 7 સમન્સ મોકલ્યા છે. આજે 22 ફેબ્રુઆરીએ 7મુ સમન્સ મોકલવામાં આવ્યું છે અને તેમને 26 ફેબ્રુઆરીએ કેન્દ્રીય એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.