નેશનલ

દિલ્હી દારૂ કૌભાંડ કેસ: તપાસનો રેલો સીએમ કેજરીવાલ સુધી પહોંચ્યો

EDએ 2 નવેમ્બરે બોલાવ્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ દિલ્હી એક્સાઇઝ પોલિસી અને મની-લોન્ડરિંગમાં તેની કથિત સંડોવણી સાથે સંબંધિત કેસમાં પૂછપરછ માટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે. કૌભાંડની તપાસ કરી રહેલી એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરે હાજર થવા જણાવ્યું છે.

દારૂ કૌભાંડ કેસની તપાસ બે કેન્દ્રીય તપાસ એજન્સીઓ કરી રહી છે. આ કેસમાં સીબીઆઈ દ્વારા કેજરીવાલની એપ્રિલમાં લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. 16 એપ્રિલ બાદ હવે ઇડીએ તેમને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને આપ પાર્ટીના સાંસદ સંજય સિંહ દારૂ કૌભાંડ કેસમાં જેલમાં છે.


સીબીઆઈ દ્વારા પૂછપરછ કર્યા બાદ કેજરીવાલે કહ્યું હતું કે મેં સીબીઆઈ દ્વારા પૂછવામાં આવેલા તમામ સવાલોના જવાબ આપ્યા છે. અમારી પાસે છુપાવવા માટે કંઈ નથી. આ કથિત દારૂનું કૌભાંડ જૂઠ, બનાવટ અને ગંદી રાજનીતિથી પ્રેરિત છે. અમારો પક્ષ કટ્ટર પ્રમાણિક પક્ષ છે. અમે મરીશું પણ અમારી પ્રામાણિકતા સાથે ક્યારેય સમાધાન નહીં કરીએ. તેઓ (કેન્દ્ર સરકાર) અમારા પક્ષને ખતમ કરવા માંગે છે, પરંતુ દેશની જનતા અમારી સાથે છે.


કોર્ટે સોમવારે 247 દિવસથી જેલમાં રહેલા દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની બે અલગ-અલગ જામીન અરજીઓ ફગાવી દીધી હતી અને તેમને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. સિસોદિયા પર દિલ્હીની દારૂની નીતિમાં ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગનો આરોપ છે.


26 ફેબ્રુઆરીએ તેની ધરપકડ કરવામાં આવી હતી. 30 મેના રોજ સીબીઆઈ કેસમાં સિસોદિયાને જામીન આપવાનો ઈન્કાર કરતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે નાયબ મુખ્ય પ્રધાન અને આબકારી ખાતાના પ્રધાન હોવાના કારણે તેઓ એક હાઈ-પ્રોફાઈલ વ્યક્તિ છે જે સાક્ષીઓને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.

ત્યાર બાદ ત્રણ જુલાઇએ પણ દિલ્હી હાઈકોર્ટે તેમને દિલ્હી એક્સાઈઝ પોલિસીમાં અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, અને કહ્યું હતું કે તેમની સામેના આરોપો ખૂબ જ ગંભીર છે. હવે સોમવારે પણ તેમને કોર્ટે જામીન આપવાનો ઇનકાર કરતા સિસોદિયાએ દીવાળી જેલમાં જ વિતાવવી પડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button