
દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં આરોપી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની કસ્ટડી હેઠળ છે. કેજરીવાલને મુખ્ય પ્રધાન પદેથી હટાવવાની માંગ કરતી અરજી ફગાવી દેતા દિલ્હી હાઈકોર્ટે તેમને મોટી રાહત આપી છે.
અગાઉ કેજરીવાલે જેલમાંથી સરકાર ચલવવાની જાહેરાત કરી હતી, ત્યારે તેમને મુખ્ય પ્રધાન પદેથી હટાવવા દિલ્હી હાઈ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) કરવામાં આવી હતી. અરજી ફગાવતા હાઈકોર્ટે કહ્યું કે અમે રાષ્ટ્રપતિ શાસન લાદવાનો આદેશ આપી શકીએ નહીં.
આ અરજી દિલ્હીના રહેવાસી સુરજીત સિંહ યાદવે દાખલ કરી હતી, જેઓ પોતે ખેડૂત અને સામાજિક કાર્યકર હોવાનો દાવો કરે છે. તેમણે અરજી કરી હતી કે કેન્દ્ર સરકારના મુખ્ય સચિવ, દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નરને સમજાવવા માટે કહેવામાં આવે કે કેજરીવાલ કઈ સત્તા હેઠળ મુખ્ય પ્રધાન પદ સંભાળી રહ્યા છે. નાણાકીય કૌભાંડના આરોપીને પદ પર રહેવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
અરવિંદ કેજરીવાલને પદ પરથી હટાવવાની માગણી કરતી PIL પર દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, આમાં ન્યાયિક હસ્તક્ષેપ જરૂરી નથી. જો બંધારણીય નિષ્ફળતા હશે તો ઉપ રાજ્યપાલ(LG) તેની તપાસ કરશે. રાષ્ટ્રપતિ આગળના નિર્ણયો લેશે. અમે અખબારોમાં એલજીનું નિવેદન પણ વાંચીએ છીએ. કોર્ટ રાષ્ટ્રપતિ શાસન લાદવાનો આદેશ આપતી નથી.
કોર્ટે કહ્યું કે “અમે રાજકીય મુદ્દામાં દખલ નહીં કરીએ અને આ અરજી પર ન્યાયિક દખલગીરી માટે કોઈ અવકાશ નથી.”