Arvind Kejriwal ની મુશ્કેલીમાં વધારો, એલજીએ ઇડીને આપી હવે આ કેસમાં કાર્યવાહીની મંજૂરી

નવી દિલ્હી : દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની(Arvind Kejriwal)મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. લેફ્ટનન્ટ ગવર્નરના(LG)કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
કાર્યવાહી કરવા માટે લીલી ઝંડી
આ અંગે મળતી વિગતો મુજબ 5 ડિસેમ્બરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અરવિંદ કેજરીવાલ સામે કેસ ચલાવવાની મંજૂરી માંગી હતી. જ્યારે હવે લેફ્ટનન્ટ ગવર્નરે ઇડીને એક્સાઇઝ પોલિસી મામલે કેજરીવાલ સામે કાર્યવાહી કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે. કેજરીવાલ વિરુદ્ધ આ કાર્યવાહી આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂર્વે કરવામાં આવી છે.
ટ્રાયલ કોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો
આ દરમિયાન, દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જવાબ દાખલ કરવા માટે વધારાનો સમય આપ્યો હતો. આ અરજીમાં દિલ્હી એક્સાઇઝ લિકર પોલિસી કેસમાં ચાર્જશીટને ધ્યાને લેવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો છે.
Also read: અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી, CBIએ ઉઠાવ્યું મોટું પગલું
પંજાબ અને ગોવામાં ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવાનો આરોપ
આબકારી નીતિના કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આરોપ મૂક્યો હતો કે આ કૌભાંડમાં, 6 ટકા લાંચના બદલામાં 12 ટકા માર્જિન સાથે જથ્થાબંધ દારૂના વિતરણ અધિકારો ખાનગી સંસ્થાઓને આપવામાં આવ્યા હતા. વધુમાં, AAP નેતાઓ પર 2022 ની શરૂઆતમાં પંજાબ અને ગોવામાં ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો