Top Newsનેશનલ

‘તમે ચીનના નાગરિક છો’ અરુણાચલની મહિલાને એરપોર્ટ પર 18 કલાક રોકી રાખી; ભારતે વિરોધ નોંધાવ્યો…

નવી દિલ્હી: વિસ્તારવાદી વલણ ધરાવતું ચીન ભારતના ઉત્તરપુર્વીય રાજ્ય અરુણાચલ પ્રદેશ પર સતત પોતાનો દાવો કરતું આવ્યું છે, ચીન અરુણાચલ પ્રદેશને “ઝાંગનાન” (દક્ષિણ તિબેટ) તરીકે ઓળખાવે છે. ભારત ચીનના આ વલણનો સખત વિરોધ નોંધાવતું આવ્યું છે. એવામાં ગત શુક્રવારે શાંઘાઈ એરપોર્ટ પર ચીનના અધિકારીઓએ અરુણાચલ પ્રદેશની એક મહિલાને અટકાયતમાં લીધી હતી અને તેનો ભારતીય પાસપોર્ટ અમાન્ય ગણાવ્યો હતો. હવે ભારત સરકારે તેની સામે સખત વિરોધ નોંધાવ્યો છે.

હાલ યુનાઇટેડ કિંગડમમાં રહેતી પ્રેમા વાંગજોમ થોંગડોક નામની મૂળ અરુણાચલ પ્રદેશની મહિલાએ ગઈ કાલે સોમવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે શાંઘાઈ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ તેને 18 કલાકથી વધુ સમય સુધી અટકાયતમાં રાખી હતી. અધિકારીઓએ તેની મજાક ઉડાવી હતી, તેનો ભારતીય પાસપોર્ટ અમાન્ય હોવાનું કહ્યું અને તેની ચીની પાસપોર્ટ માટે અરજી કરવાનું દબાણ કર્યું.

મહિલા સાથે થયેલા આ વર્તન અંગે ભારતે ચીન સામે વિરોધ નોંધાવ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે બેઇજિંગ અને દિલ્હીમાં ચીનની ઓથોરીટીને કડક ડિમાર્ચ પાઠવ્યું છે. શાંઘાઈ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે સંબંધિત અધિકારીઓ સમક્ષ મામલો ઉઠાવ્યો હતો અને મહિલાને મદદ પૂરી પાડી હતી.

ચીનના અધિકારીઓનો દાવો:
પ્રેમા વાંગજોમ થોંગડોકે X પર એક પોસ્ટ કરીને લખ્યું, “ચીન ઇમિગ્રેશન અને @chinaeasternair ના દાવા પર મને 21 નવેમ્બર, 2025 ના રોજ શાંઘાઈ એરપોર્ટ પર 18 કલાકથી વધુ સમય માટે રોકી રાખવામાં આવી હતી, અધિકારીઓએ મારા ભારતીય પાસપોર્ટને અમાન્ય ગણાવ્યો કારણ કે મારું જન્મસ્થળ અરુણાચલ પ્રદેશ છે, તેઓ આ પ્રદેશ ચીનનો પ્રદેશ હોવાનો દાવો કર્યો હતો.”

‘તમે ચીનના નાગરિક છો’
એક સમાચાર એજન્સી સાથે વાત કરતા પ્રેમા વાંગજોમ થોંગડોકે કહ્યું, “જ્યારે મેં તેમને પ્રશ્ન પૂછ્યો કે મુદ્દો શું છે, ત્યારે તેઓએ કહ્યું, ‘અરુણાચલ ભારતનો ભાગ નથી’ અને મારી મજાક ઉડાવવા અને હસવા લાગ્યા. તેઓ મને કહેવા લાગ્યા કે ‘તમારે ચીનના પાસપોર્ટ માટે અરજી કરવી જોઈએ, તમે ચીની છો, તમે ભારતીય નથી.'”

અરુણાચલ પ્રદેશ અંગે ચીનની દલીલ:
તાજેતરના વર્ષોમાં, ચીને અરુણાચલ પ્રદેશનાના કેટલાક ગામો અને શહેરોના નામ બદલીને એક નકશો જાહેર કર્યો હતો. ચીન અરુણાચલ પ્રદેશના સાથે જોડાયેલી બોર્ડર પાસે સૈન્ય સુવિધાનું મોટાપાયે નિર્માણ કરી રહ્યું છે, અને સેના-શસ્ત્રોનો જમાવડો પણ વધારી રહ્યું છે.

ભારત અરુણાચલ પ્રદેશ સતત સ્પષ્ટ શબ્દોમાં કહેતું આવ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારત દેશનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે.

વર્ષ 1914માં બ્રિટિશ ભારત અને તિબેટ વચ્ચે થયેલા સિમલા સંમેલન દરમિયાન નક્કી કરવા આવેલી મેકમોહન લાઇનને ચીન આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે સ્વિકારવાની મનાઈ કરી રહ્યું છે. ચીન જણાવે છે કે આ કરાર માટે ચીન પક્ષકાર ન હતું.

આ પણ વાંચો…ચીન પર અરુણાચલની ભારતીય મહિલાને ટોર્ચર કરવાનો આરોપ, ભારતીય પાસપોર્ટ માન્ય રાખવાનો ઇનકાર…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button