Arunachal Pradeshમાં સેનાને મળી સફળતા, અથડામણમાં એક આતંકી માર્યો ગયો

લોંગડિંગ : અરુણાચલ પ્રદેશના(Arunachal Pradesh)લોંગડિંગ જિલ્લામાં ભારતીય સેનાએ સફળતા મળી છે. ચાંગખાઓ વિસ્તારમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક આતંકી માર્યો ગયો હતો. ભારતીય સેનાના સ્પિયર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું હતું કે “સૈનિકોએ હુમલાનો ત્વરિત જવાબ આપ્યો અને ફાયરિંગમાં એક આતંકવાદી માર્યો ગયો. જ્યારે સ્થળ પરથી એક પિસ્તોલ અને દારૂગોળો મળી આવ્યો હતો.
સેના આતંકવાદને ખતમ કરવા કાર્યરત
સેનાના એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે સેનાના સંકલિત મુખ્યાલય જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાની વધતી ઘટનાઓ અંગે શ્રીનગરમાં મળેલી બેઠકમાં ચર્ચા કરી અને વ્યૂહરચના તૈયાર કરી. આ બેઠકમાં હિંસા અટકાવવા અને આતંકવાદીઓની ઈકોસિસ્ટમને નષ્ટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ્ય આતંકવાદીઓની ઇકોસિસ્ટમનો અંત લાવવો, યુવાનો અને મહિલાઓને સશક્ત બનાવવા, શિક્ષણની સુવિધા આપવી, રમતગમતને પ્રોત્સાહન આપવું અને પ્રદેશના સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવાનો છે.
આતંકવાદી હુમલાઓ સતત વધ્યા
આર્મી કમાન્ડરે પત્રકારોને જણાવ્યું હતું કે, ઉત્તર કાશ્મીરના ગુલમર્ગથી છ કિલોમીટર દૂર એક આર્મીના વાહન પર થયેલા આતંકવાદી હુમલામાં બે સૈનિકો શહીદ થયા હતા. આ હુમલામાં સૈન્ય દળો સાથે કામ કરતા બે કુલીઓ પણ માર્યા ગયા હતા. રવિવારે અન્ય એક જીવલેણ હુમલામાં, મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં એક બાંધકામ સ્થળ પર આતંકવાદીઓએ ગોળીબાર કરતા છ પરપ્રાંતિય મજૂરો અને એક સ્થાનિક ડૉક્ટરના મોત થયા હતા.