
નવી દિલ્હીઃ મેરઠ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અરૂણ ગોવિલે ૨ એપ્રિલે લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે ઉમેદવારી નોંધાવી હતી. ટીવી સિરિયલ ‘રામાયણ’માં રામનું પાત્ર ભજવનાર અરૂણ ગોવિલે આ દરમિયાન પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો હતો.
તેઓ કરોડોની સંપત્તિના માલિક છે. તેમણે શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અને રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે. જેની કિંમત આજની તારીખમાં કરોડો રૂપિયા છે.
અરૂણ ગોવિલની જીવનશૈલી વિશે વાત કરીએ તો તે ખૂબ જ વૈભવી જીવન જીવે છે. અરૂણ ગોવિલ પાસે ૬૨.૯૯ લાખ રૂપિયાની મર્સિડીઝ કાર છે, જે તેણે જૂન ૨૦૨૨માં ખરીદી હતી. તેમની પાસે ૩.૧૯ કરોડ રૂપિયાની કુલ જંગમ સંપત્તિ છે, જ્યારે તેમની પત્ની શ્રીલેખા ગોવિલ પાસે ૨.૭૬ કરોડ રૂપિયાની કુલ જંગમ સંપત્તિ છે. અરૂણે પૂણેમાં ૪૫ લાખ રૂપિયામાં એક પ્લોટ ખરીદ્યો હતો અને આજે તેની કિંમત ૪.૨૫ કરોડ રૂપિયાને વટાવી ગઇ છે.
જ્યાં સુધી સ્થાવર મિલકતની વાત છે તો ગોવિલની કુલ સ્થાવર મિલકતની કિંમત રૂા. ૫.૬૭ કરોડથી વધુ છે. જ્યારે શ્રીલેખાની સ્થાવર મિલકતની કુલ કિંમત રૂા. ૨.૮૦ કરોડથી વધુ છે. રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અરૂણ પર પણ ૧૪.૬૪ લાખ રૂપિયાથી વધુની લોન છે. મેરઠના રહેવાસી ૭૨ વર્ષીય અરૂણ ગોવિલ મુંબઇના અંધેરી વેસ્ટ વિસ્તારમાં રહે છે.
અરૂણ ગોવિલ પાસે ૩.૭૫ લાખ રૂપિયા રોકડા છે, જ્યારે તેમની પત્ની પાસે ૪.૦૭ લાખ રૂપિયાથી થોડી વધુ છે. અરૂણના બેંક ખાતામાં ૧.૦૩ કરોડ રૂપિયાથી વધુ છે. જ્યારે શ્રીલેખાના બેંક ખાતામાં ૮૦.૪૩ લાખ રૂપિયાથી વધુ જમા છે. અભિનેતાએ શેર્સમાં રૂા. ૧.૨૨ કરોડથી વધુ અને મ્યુચ્યુઅલ ફંડમાં રૂા. ૧.૪૩ કરોડથી વધુનું રોકાણ કર્યું છે.
ગોવિલ પાસે ૨૨૦ ગ્રામ વજનની જ્વેલરી છે. જેની કિંમત ૧૦.૯૩ લાખ રૂપિયા છે. જ્યારે શ્રીલેખા પાસે ૬૦૦ ગ્રામ જ્વેલરી છે. જેની કિંમત ૩૨.૮૯ લાખ રૂપિયા છે. ગોવિલ પુણેમાં એક પ્લોટ ધરાવે છે. જ્યારે તેની પત્ની મુંબઇના અંધેરી વેસ્ટ વિસ્તારમાં એક પ્લોટ ધરાવે છે. જેની કિંમત ૨ કરોડથી વધુ છે.