નેશનલ

ધરપકડ કરાયેલો વિદ્યાર્થી કાર્યકર્તા-પત્રકાર ડાર્ક વેબ પર સક્રિય હોવાનો ખુલાસો

નાગપુર: દેશ વિરોધી ગતિવિધિઓ કરવા અને આતંકવાદી સંગઠનોને ટેકો આપવા બદલ આ મહિનાની શરૂઆતમાં આકરા યુએપીએ અને ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવેલા વિદ્યાર્થી કાર્યકર્તા-કમ-પત્રકાર ડાર્ક વેબ પર સક્રિય હોવાનું મહારાષ્ટ્ર એટીએસના નાગપુર એકમના અધિકારીએ જણાવ્યું હતું.

રેજાઝ એમ શીબા સિદ્દીક (26)ની લકડગંજ પોલીસે સાતમી મેએ નાગપુરની એક હોટેલમાંથી ધરપકડ કરી હતી. રેજાઝની ઓનલાઇન પ્રવૃત્તિઓને ચાંપતી દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી. રેજાઝના કેરળના ઘર પર 11 મેએ રોજ દરોડા પાડવામાં આવ્યા ત્યારે આપત્તિજનક દસ્તાવેજો મળી આવ્યા હોવાનું અધિકારીએ જણાવી ઉમેર્યું હતું કે ‘તેના ડિજિટલ ઉપકરણોના પ્રારંભિક સ્કેનમાં તે ડાર્ક વેબ પર સક્રિય હોવાનું અને ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: ડાર્ક વેબ પર એરટેલના 375 મિલિયન ગ્રાહકોનો ડેટા વેચાયો, એરટેલે ગ્રાહક ડેટા લીકના દાવાને આપ્યો રદિયો

એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ ઊંડાણપૂર્વકની તપાસ માટે સાયબર-ફોરેન્સિક લેબોરેટરીમાં ડિજિટલ ઉપકરણો મોકલશે. રેજાઝની પોલીસ કસ્ટડી રવિવારે બે દિવસ માટે લંબાવવામાં આવી હોવાની જાણકારી પણ આપવામાં આવી હતી.

સિદ્દીકની ઓનલાઇન પ્રવૃત્તિઓમાં ઉશ્કેરણીજનક પોસ્ટ અને નાગપુરમાં રાઇફલની દુકાનની મુલાકાત લઈ બંદૂક પકડતી દર્શાવતી એક ઈમેજનો સમાવેશ થાય છે, આને પગલે તેના પર ભારતીય ન્યાય સંહિતાની કલમ 149 (ભારત સરકાર સામે યુદ્ધ લડવાની તૈયારી), 192 (રમખાણો કરવાના ઇરાદાથી ઉશ્કેરણી), 351 (ગુનાહિત ધાકધમકી) અને 353 (જાહેર તોફાનને અનુકૂળ નિવેદનો) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button