કુણાલ કામરાની ધરપકડના ભણકારાઃ મહારાષ્ટ્ર કાઉન્સિલે બ્રિચ ઓફ પ્રિવિલેજ નોટિસ ફટકારી…

મુંબઈ: એક કોમેડી શો દરમિયાન સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે પર એક કટાક્ષભર્યુ એક ગીત (Kunal Kamra comedy row) ગયું હતું. આ શોની વિડીયો ક્લિપ્સ વાયરલ થતા શિવસેનાના અને નેતાઓએ હોબાળો મચાવ્યો. ઇન્ડિયન હેબીટેટ કોમેડી ક્લબમાં તોડફોડ કરવામાં આવી, ત્યાર બાદ કુણાલ સામે FIR પણ દાખલ કરવામાં આવી. હવે કુણાલની મુશ્કેલીઓ વધી શકે છે, મહારાષ્ટ્રની વિધાન પરિષદે કુણાલ સામે બ્રિચ ઓફ પ્રિવિલેજ નોટિસ (breach of privilege notice) સ્વીકારી છે.
વિધાન પરિષદના સભાપતિ રામ શિંદેએ (Ram Shinde) એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું કે એકનાથ શિંદેને “ગદ્દાર” કહેવા બદલ કુણાલ કામરા સામે દાખલ કરવામાં આવેલી નોટિસ તેમણે સ્વીકારી છે અને તેને વિશેષાધિકાર સમિતિને મોકલી આપી છે.
જ્યારે કોઈ વ્યક્તિ સંસદ અથવા વિધાનસભા અને તેના સભ્યોને ફરજો નિભાવવા માટે જરૂરી અધિકારોનું અનાદર કરે છે અથવા તેનું ઉલ્લંઘન કરે છે, ત્યારે એ વ્યક્તિ સામે વિશેષાધિકાર ભંગ(Breach of privilege)ની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો: T-Seriesએ કુનાલ કામરાને મોકલી નોટિસ, તો કોમેડિયને આપ્યો આવો જવાબ…
તાત્કાલિક ધરપકડની માંગ:
રાજ્યના પ્રવાસન પ્રધાન અને શિવસેનાના નેતા શંભુરાજ દેસાઈએ પત્રકારો સાથે વાત કરતા કામરાની તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી. તેમને ચીમકી ઉચ્ચારી કે પક્ષના કાર્યકરોની ધીરજની કસોટી ન થવી જોઈએ.
તેમણે કહ્યું “શિંદેએ અમને સંયમ રાખવા કહ્યું છે, તેથી જ અમે શાંત છીએ. શિવસેનાના કાર્યકરો તરીકે, અમને તે જ્યાં પણ છુપાયેલો હોય ત્યાંથી બહાર કાઢતા આવડે છે, પરંતુ પ્રધાન તરીકે, અમારી થોડી મર્યાદાઓ છે.”
તેમણે પોલીસને ચેતવણી આપતા કહ્યું, “અમારી ધીરજની કસોટી ન કરો. તે જ્યાં પણ હોય ત્યાંથી તેને પકડી લો, તેને ‘પ્રસાદ’ ચખાડો.”
આ પણ વાંચો: કુણાલના કારનામાઃ હવે નાણા પ્રધાન પર નિશાન સાધીને વીડિયો પોસ્ટ કર્યો
શિવસેનાના વિધાનસભ્ય મુરજી પટેલની ફરિયાદ બાદ, ખાર પોલીસે નાયબ મુખ્યપ્રધાન વિરુદ્ધ બદનક્ષીભરી ટિપ્પણી કરવાના આરોપસર કામરા સામે FIR નોંધાવી હતી.
દરમિયાન, કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કુણાલ કામરાને પોલીસ સમન્સ મોકલવાનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે જો જરૂર પડે તો કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.