દારૂની દુકાન-ક્લબોમાં ઉમરની તપાસ માટેની વ્યવસ્થા અંગે સુપ્રીમે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દારૂની દુકાનો અને અન્ય સેલિંગ પોઇન્ટ માટે ફરજિયાત વયના ધોરણો અંગેની અરજી પર કેન્દ્ર સરકારનો જવાબ માંગ્યો છે. કોર્ટે ઉમર સબંધિત અસરકારક નિયમાવલી અને સુદ્રઢ નીતિના નિર્માણ માટે સૂચનો આપવા કહ્યું છે. અરજીમાં જણાવાયું છે કે વિવિધ રાજ્યોની આબકારી નીતિમાં વય સંબંધિત કાયદાઓ છે, જે હેઠળ ચોક્કસ વયથી ઓછી વયના વ્યક્તિ માટે દારૂનું સેવન કરવું અથવા રાખવું ગેરકાયદેસર છે. તેમ છતાં દારૂના વેચાણના સ્થળોએ ગ્રાહકો કે ખરીદનારની ઉંમર ચકાસવા માટે કોઈ નક્કર વ્યવસ્થા નથી.
સુપ્રીમમાં દાખલ આ અરજીમાં ઘરે ઘરે દારૂ સપ્લાય કરવાની નીતિનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. આ સાથે જ અરજીમાં દલીલ કરવામાં આવી છે કે આ પ્રવૃતિથી યુવાનોમાં દારૂ પીવાનું વ્યસન ઝડપથી વધશે. આ અરજી જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચ સમક્ષ સુનાવણી માટે આવી હતી.
આપણ વાંચો: ગિફ્ટિસિટિમાં દારૂની છૂટ પણ પીનારાંઓને નડે છે આ નિયમો
ઉલ્લેખનીય છે કે દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, દારૂ પીવા માટે કાયદાકીય રીતે લઘુત્તમ વય 18 થી 25 વર્ષની વચ્ચે નક્કી કરવામાં આવી છે. તેમ છતાં ઘણી જગ્યાએ 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો પણ દારૂ પીતા જોવા મળે છે.
આ અરજી કમ્યુનિટી અગેન્સ્ટ ડ્રંકન ડ્રાઇવિંગ નામના એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમના વકીલ વિપિન નાયરે સુનાવણી દરમિયાન દલીલ કરી હતી કે દારૂની દુકાનો, બાર, પબ વગેરેમાં ગ્રાહકો અથવા ખરીદનારની ઉંમર તપાસવા માટેની કોઈ વ્યવસ્થા નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે આ સંબંધમાં નક્કર નીતિના અમલીકરણથી દારૂ પીને ગાડી ચલાવવાની સમસ્યાને ઘટાડવામાં અને સગીરોમાં દારૂના વ્યસનને પણ પણ કાબૂમાં લેવામાં મદદ મળશે.
50 હજારનો દંડ-3 માસની જેલ:
અરજીમાં કોર્ટને આ સબંધે સજાની જોગવાઈ સબંધે સલાહ આપવામાં આવી છે. જેમાં સૂચવ્યું હતું કે સગીરોને દારૂ વેચવા અથવા ઉપલબ્ધ કરવા બદલ દોષિત વ્યક્તિ પર 50,000 રૂપિયાનો દંડ અથવા ત્રણ મહિનાની જેલ અથવા બંનેની સજાની જોગવાઈ કરવામાં આવે છે. અરજીમાં કેન્દ્ર, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે.