2015 પછી લગભગ 4.46 લાખ લાપતા બાળકો શોધી કાઢવામાં આવ્યાં: સ્મૃતિ ઈરાની
નવી દિલ્હી: વર્ષ 2015 પછી શોધી કાઢવામાં આવેલા મોટા ભાગના બાળકોનું પરિવારો સાથે પુન:મિલન સંપન્ન કરાયું છે તેવું મહિલા અને બાળવિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ શનિવારે કહ્યું હતું. બાળ ગુનેગારોના વિષય પર હિતધારકોની વાર્ષિક સભાના ઉદ્ઘાટન સમારંભમાં વક્તવ્ય આપતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે 2015માં શરૂ કરાયેલા `ખોયા પાયા પોર્ટલ’ દ્વારા લગભગ 4,46,000 લાપતા બાળકો શોધી કાઢવામાં આવ્યા હતા જેમાંથી 3,97,530 બાળકોને તેમના પરિવાર સાથે સફળતાપૂર્વક પુનર્મિલન કરાવવામાં સફળતા મળી છે.” જુવેનાઈલ જસ્ટિસ એક્ટમાં વર્ષ 2021માં સુધારા કરવામાં આવ્યા હતા તે પછી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટે્રટોને એડોપ્શન ઓર્ડર બહાર પાડવાની જવાબદારી આપવામાં આવી તે પછી 2,600 બાળકોને દત્તક લેવામાં આવ્યા છે.
કોવિડ-19 રોગચાળા દરમિયાન ભારતમાં ઘણાં બાળકો અનાથ બન્યા હતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉહાપોહ મચ્યો હતો. તે વખતે સરકાર પણ સક્રિય થઈ હતી અને સુપ્રીમ કોર્ટે પણ લોકોને અનાથ બાળકોની વહારે જવાના નિર્દેશ આપ્યા હતા. મદદની જરૂરત હોય તેવા બાળકોની સત્તાવાળાઓને જાણ કરવી તેવા નિર્દેશ આપવામાં આવ્યા હતા. ચાઈલ્ડ કેર ઈન્સ્ટિટ્યૂશન (સીસીઆઈ)માં રહેતા 45,000થી વધુ બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.