ભોપાલ પાસે ખેતરમાં સેનાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ
મધ્યપ્રદેશના ભોપાલમાં શનિવારે આયોજિત વાયુસેનાનો એર શો સફળ રહ્યો હતો. ત્યાર બાદ આજે રવિવારે ભોપાલ પાસે બેરસિયાના ડુંગરિયા ગામના ડેમ પાસેના ખેતરમાં સેનાના હેલિકોપ્ટરને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાવાના કારણે આવું કરવું પડ્યું હતું. હેલિકોપ્ટરને આ રીતે ઉતરતા જોઈને ગ્રામજનોના ટોળા એકઠા થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, રવિવારે સવારે ભોપાલના બેરસિયાના ડુંગરિયા ગામના ડેમ પાસેના એક ખેતરમાં સેનાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું. હેલિકોપ્ટરમાં સેનાના 6 જવાન સવાર હતા. કેટલીક ટેકનિકલ ખામીને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટર ડેમની આસપાસ ચક્કર લગાવી રહ્યું હતું અને પછી ખેતરમાં ઉતર્યું હતું. ગામલોકોનું ટોળું પણ હેલિકોપ્ટરને જોવા દોડી આવ્યું હતું. સેનાના જવાનોએ તેમને હેલીકોપ્ટરથી દૂર રહેવા સૂચના આપી હતી.
ઈમરજન્સી લેન્ડિંગ બાદ સેનાનું બીજું હેલિકોપ્ટર મદદ માટે ડુંગરિયા ગામમાં પહોંચ્યું હતું. આ હેલિકોપ્ટર એન્જિનિયર્સ, સપોર્ટિંગ સ્ટાફ અને ટેકનિકલ ટીમને લઈને અહીં આવ્યું હતું. ટીમને અહીં ડ્રોપ કરી અને હેલીકોપ્ટર ચાલ્યું ગયું. હવે એન્જિનિયર અને ટેકનિકલ ટીમ હેલિકોપ્ટરમાં ખામીની તપાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ, ભારતીય વાયુસેનાનું આ હેલિકોપ્ટર, ભોપાલથી ઝાંસી જઈ રહ્યું હતું. વિમાનમાં પાયલોટ સહિત કુલ 6 લોકો સવાર હતા. એન્જિન ફેલ થવાના કારણે ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું.
નોંધનીય છે કે શનિવારે વાયુસેનાના 91મા સ્થાપના દિવસે ભોપાલના બડા તળાવ પાસે ભવ્ય એર શો થયો હતો. ચિનૂક, MI 17 ગ્લોબમાસ્ટર, તેજસ, સારંગ હેલિકોપ્ટર અને સૂર્યકિરણ ટુકડીએ તેમાં પ્રદર્શન કર્યું. એવી સંભાવના છે કે રવિવારે જે હેલિકોપ્ટર મેદાનમાં ઉતર્યું હતું તે આ જ ટીમનો ભાગ હોઈ શકે છે.