શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં(Jammu Kashmir)સેના આતંકવાદીઓ વિરુદ્ધ સતત અભિયાન ચલાવી રહી છે. જેમાં હાલમાં નૌશેરાના એક વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ અંગે વ્હાઇટ નાઈટ કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે કે સંભવિત ઘૂસણખોરીના પ્રયાસ મળેલા ઇનપુટ્સના આધારે ભારતીય સેના દ્વારા 8 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ નૌશેરાના લામના વિસ્તારમાં ઘૂસણખોરી વિરોધી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા છે અને મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. તેમજ આ સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.
2 સપ્ટેમ્બરે એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો હતો
આ પૂર્વે 2 સપ્ટેમ્બરે પણ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટર દરમિયાન આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના સુંજવાન મિલિટરી સ્ટેશન પર ગોળીબાર કર્યો હતો. આ અથડામણમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો.
તેમજ 29 ઓગસ્ટના રોજ કુપવાડામાં આતંકીઓ વિરુદ્ધ ચલાવવામાં આવેલા ઓપરેશનમાં 3 આતંકીઓ માર્યા ગયા હતા. આ દરમિયાન માછિલ અને તંગધારમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ ઓપરેશન પણ 28 અને 29 ઓગસ્ટની વચ્ચે રાત્રે શરૂ થયું હતું.
14 ઓગસ્ટના રોજ ડોડામાં કેપ્ટન દીપક સિંહ શહીદ થયા હતા. આ એન્કાઉન્ટર દરમિયાન એક આતંકી પણ માર્યો ગયો હતો. આ પહેલા 16 જુલાઈના રોજ ડોડામાં એક મોટું એન્કાઉન્ટર થયું હતું, જેમાં કેપ્ટન સહિત 5 જવાનો શહીદ થયા હતા.
હાલમાં જ રક્ષા મંત્રીએ મોટું નિવેદન આપ્યું હતું
રવિવારે જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરના રામબનમાં મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના રહેવાસીઓએ ભારતમાં જોડાવું જોઈએ અમે તેમને પોતાના ગણીએ છીએ. રામબનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાજનાથે આ નિવેદન આપ્યું હતું.
જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ બદલાઈ
રાજનાથે કહ્યું હતું કે કોંગ્રેસ- એનસી ગઠબંધન કહે છે કે તે કલમ 370ને પુનઃસ્થાપિત કરશે પરંતુ જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી કોઈ એવું કરી શકશે નહીં. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ બદલાઈ ગઈ છે, યુવાનો પાસે હવે પિસ્તોલ અને રિવોલ્વરને બદલે લેપટોપ અને કોમ્પ્યુટર છે.