નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના શોપિયાં જીલ્લામાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર કર્યો હતો. શોપિયાં જિલ્લાના કાટોહલાન વિસ્તારમાં રાત્રે એન્કાઉન્ટર શરુ હતું. સુરક્ષા દળોએ આતંકવાદી પાસેથી હથિયારો અને દારૂગોળો સહિતની અન્ય સામગ્રી જપ્ત કરી હતી.
જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યા પ્રમાણે માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ મયસર અહેમદ ડાર તરીકે થઇ હતી, જે તાજેતરમાં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) નામના પ્રતિબંધિત જૂથ સાથે જોડાયો હતો. તે શોપિયાંના વેશરોનો રહેવાસી હતો. મયસર એક અઠવાડિયા પહેલા જ આતંકી સંગઠનમાં જોડાયો હતો અને ગઈ કાલે મોડી રાત્રે એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. ભારતીય સેના જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટર શોપિયાંના કટોહલાન વિસ્તારમાં થયું હતું. સેનાને ઈનપુટ મળ્યા હતા કે આ વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિઓ ચાલી રહી છે. જેના આધારે સેના અને પોલીસના જવાનોએ ઘેરાબંધી કરી હતી અને આતંકવાદીઓએ જવાનોની હિલચાલ જાણવા મળતા જ જ ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષા દળોએ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપતો હતો, આતંકવાદી સંગઠન ટીઆરએફ સાથે સંકળાયેલા એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો.