કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે આર્મીની અથડામણઃ કર્નલ, મેજર, ડીએસપી શહીદ
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના દક્ષિણ કાશ્મીરના કોકરેનાગના પર્વતીય વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં લશ્કરના કર્નલ, મેજર અને ડીએસપી શહીદ થયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
બુધવારે સવારે અનંતનાગ જિલ્લાના ગોરોલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 19 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રિત સિંહ, મેજર આશિષ ધોનક અને ડીએસપી હુમાયુ ભાટ ગંભીર રીતે ઘવાયા હતા. આ ત્રણેયનું સારવાર દરમિયાન મૃત્યું થયું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીએ કહ્યું હતું કે પોલીસ અને આર્મીની સંયુક્ત ટીમે આજે અનંતનાગ કોકરનાગના હલુરા ગંડુલ વિસ્તારમાં સર્ચ ઓપરેશ હાથ ધર્યું હતું. ધીમે ધીમે વિસ્તારમાં પ્રવેશ્યા પછી શંકાસ્પદ જગ્યાએ છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓની અથડામણમાં રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ કર્નલ, જમ્મુ કાશ્મીર પોલીસના ડીએસપી સહિત ત્રણ અધિકારી શહીદ થયા હતાં.
બે મહિનાની પુત્રીની પિતા અને જમ્મુ કાશ્મીરના નિવૃત્ત આઈજી ગુલામ હસન ભાટના પુત્ર હુમાયુ ભાટનું વધારે પડતું લોહી વહી જવાને કારણે મૃત્યુ થયું હતું. પાકિસ્તાન સ્થિત લશ્કરે તૈયબા સાથે સંકળાયેલા પ્રતિબંધિત રેસિસ્ટન્ટ ફ્રન્ટે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
આ મુદ્દે કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ દુઃખ વ્યક્ત કરીને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ લખીને જણાવ્યું હતું કે આતંકવાદી વિરુદ્ધના ઓપરેશનમાં બે લશ્કરના અધિકારી અને એક પોલીસ અધિકારી શહીદ થયા છે. ભગવાન તેમના આત્માને સદગતી આપે એની પ્રાર્થના કરીએ છીએ.