નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે કહ્યું હતું કે અગ્નિવીર એ ભારતના નાયકોનું અપમાન કરવાની યોજના છે. તેમણે કહ્યું કે અગ્નિવીરની શહીદી પછી તેમના પરિવારના સભ્યોને પેન્શન કે અન્ય લાભો આપવામાં આવતા નથી. રાહુલના આરોપોને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સદંતર ફગાવી દેવામાં આવ્યા હતા.
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે અગ્નિવીર ગાવતે અક્ષય લક્ષ્મણની તસવીર શેર કરી હતી અને કહ્યું હતું કે સિયાચીનમાં તેમની શહાદતના સમાચાર ખૂબ જ દુઃખદ છે. તેમણે કહ્યું, “તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. અક્ષયના પરિવારને ગ્રેચ્યુટી કે પેન્શન પણ નથી આપવામાં આવ્યું. તેમના પરિવારને પણ કોઇ સુવિધા આપવામાં નથી આવી. અગ્નિવીર એ ભારતના નાયકોનું અપમાન કરવાની યોજના છે!”
ભાજપનો આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ રાહુલ ગાંધીના આરોપોને ‘સંપૂર્ણપણે પાયાવિહોણા અને બેજવાબદાર’ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “અગ્નિવીર ગાવતે અક્ષય લક્ષ્મણે સેવા દરમિયાન શહીદ થયા છે અને તેથી તેઓ એક સૈનિક તરીકે વળતર મેળવવા માટે હકદાર છે. માલવિયાએ એમ પણ કહ્યું હતું કે, “અગ્નિવીર યોજના હેઠળ અક્ષયના પરિવારના સભ્યોને વળતર આપવામાં આવશે.
” તેને રૂ. 48 લાખનો નોન-કોન્ટ્રીબ્યુટરી વીમો, રૂ. 44 લાખની એક્સ-ગ્રેશિયા રકમ, અગ્નિવીર દ્વારા ફાળો આપેલ સર્વિસ ફંડ (30 ટકા), અને વ્યાજની રકમ પણ મળશે. અગ્નિવીરના મૃત્યુની તારીખથી ચાર વર્ષ પૂરા થાય ત્યાં સુધી પરિવારને તેની બાકી સેવા અવધિ માટે તેનો પગાર મળશે, જે 13 લાખ રૂપિયાથી વધુ હશે.
આર્મ્ડ ફોર્સીસ વોર કેઝ્યુઅલ્ટી ફંડમાંથી પણ આઠ લાખ રૂપિયા મળશે. માલવિયાએ પોતાની પોસ્ટમાં કહ્યું, ‘તેથી ફેક ન્યૂઝ ન ફેલાવો. તમે વડા પ્રધાન બનવાની ઈચ્છા ધરાવો છો તો એવું વર્તન કરો.’ નોંધનીય છે કે મહારાષ્ટ્રના રહેવાસી અગ્નિવીર લક્ષ્મણનું શનિવારે વહેલી સવારે સિયાચીનમાં ડ્યુટી દરમિયાન મૃત્યુ થયું હતું.