
નવી દિલ્હી: ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ભારત વિરુદ્ધ કોઈપણ દુસ્સાહસ હવે ભારે પડશે. નવી દિલ્હીમાં આયોજિત વાર્ષિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ભારતીય સેના અત્યંત સતર્ક છે અને ‘ઓપરેશન સિંદૂર’ હજુ પણ કાર્યરત છે. સરહદ પાર હજુ પણ આશરે 8 જેટલા આતંકી કેમ્પ સક્રિય હોવાનું જણાવી તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જો આ કેમ્પ્સમાંથી કોઈ પણ હરકત કરવામાં આવશે, તો ભારતીય સૈન્ય જડબાતોડ વળતો પ્રહાર કરવા માટે સજ્જ છે.
એપ્રિલ 2025માં પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ અત્યંત વ્યૂહાત્મક ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું હતું. જનરલ દ્વિવેદીએ આ ઓપરેશનની સફળતા વિશે માહિતી આપતા કહ્યું કે, માત્ર 88 કલાકની અંદર જ ભારતીય જવાનોએ દુશ્મનના 9 ઠેકાણાઓને જમીનદોસ્ત કરી દીધા હતા. આ ઓપરેશન દ્વારા ભારતે પાકિસ્તાનની પરમાણુ ધમકીઓને નજરઅંદાજ કરી પોતાની સૈન્ય શક્તિ અને ચોકસાઈનો દુનિયાને પરિચય કરાવ્યો હતો.
વર્ષ 2025 દરમિયાન ભારતીય સેનાએ નોંધપાત્ર કામગીરી કરી છે, જેમાં અત્યાર સુધીમાં 31 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ પૈકીના 65 ટકા આતંકીઓ પાકિસ્તાની મૂળના હતા. જનરલ દ્વિવેદીએ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હવે સ્થાનિક આતંકવાદીઓની સંખ્યા ઘટીને સિંગલ ડિજીટમાં આવી ગઈ છે. કાશ્મીરમાં આતંકીઓની ભરતી લગભગ બંધ થઈ ચૂકી છે અને સુરક્ષા દળોના સંકલિત પ્રયાસોને કારણે સ્થિતિ નિયંત્રણમાં છે.
સરહદ પરની મજબૂત પકડ અને આંતરિક સુરક્ષાના કારણે જમ્મુ-કાશ્મીરમાં વિકાસના નવા દ્વાર ખુલ્યા છે. જનરલ દ્વિવેદીએ નોંધ્યું હતું કે હવે કાશ્મીરમાં આતંકવાદનું સ્થાન પ્રવાસને લીધું છે. અમરનાથ યાત્રામાં આ વર્ષે 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો, જે પાંચ વર્ષની સરેરાશ કરતા વધુ છે. પ્રદેશમાં પર્યટકોનો ધસારો વધતા સ્થાનિક અર્થતંત્રને વેગ મળ્યો છે અને લોકોના જીવનધોરણમાં સુધારો થયો છે, જે શાંતિની નવી દિશા દર્શાવે છે.
ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે ભારતીય સેના પોતાની મિસાઈલ અને રોકેટ ફોર્સને વધુ મજબૂત બનાવી રહી છે. પાકિસ્તાન તરફથી આવતા ડ્રોન અંગે DGMO સ્તરે ચર્ચા કરવામાં આવી છે અને તેનો ટેકનિકલ જવાબ તૈયાર રાખવામાં આવ્યો છે. આત્મનિર્ભરતા અને ઇનોવેશન (JAI) ના સૂત્ર સાથે સેના નવા દાયકાના પરિવર્તન માટે તૈયાર છે. પ્રકૃતિ આપત્તિ સમયે પણ સેનાએ 30,000 થી વધુ લોકોના જીવ બચાવીને પોતાની માનવીય કટિબદ્ધતા સાબિત કરી છે.



