‘સેના PMના ચરણોમાં નતમસ્તક’: MPનાં નાયબ મુખ્ય પ્રધાનના નિવેદનથી રાજકીય વંટોળ, કોંગ્રેસની રાજીનામાની માંગ

ભોપાલ: મધ્યપ્રદેશ સરકારમાં પ્રધાન વિજય શાહ દ્વારા કર્નલ સોફિયા કુરેશી પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનનો મામલો હજી શાંત થયો નથી ત્યાં હવે નાયબ મુખ્ય પ્રધાન જગદીશ દેવડાના એક નિવેદને રાજકીય તોફાન મચાવ્યું છે.
નાયબ મુખ્ય પ્રધાન દેવડાએ જબલપુરમાં સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સના તાલીમ કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે “આખો દેશ, દેશની સેના અને સૈનિકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણોમાં નતમસ્તક છે.” તેમના આ નિવેદન પર કોંગ્રેસે સખત વાંધો ઉઠાવ્યો છે અને તેને સેનાનું અપમાન ગણાવ્યું છે.
આપણ વાંચો: મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા હુસૈન દલવાઈનું વિવાદાસ્પદ નિવેદન, આરએસએસને આતંકવાદી સંગઠન ગણાવ્યું…
શું આપ્યું નાયબ મુખ્ય પ્રધાને નિવેદન?
મળતી વિગતો અનુસાર મધ્યપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન જગદીશ દેવડાના વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય તોફાન મચી ગયું છે. જબલપુરમાં સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સના તાલીમ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન જગદીશ દેવડાએ કહ્યું, “આખો દેશ, દેશની સેના અને સૈનિકો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચરણોમાં નતમસ્તક છે.
તેમણે આગળ કહ્યું હતું કે “મનમાં ઘણો રોષ હતો કે ત્યાં ગયેલા પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને મારી નાખવામાં આવ્યા હતા. મહિલાઓ અને બાળકોને બાજુ પર ઉભી રાખીને તેમની સામે ગોળી મારી દેવામાં આવી હતી. તે દિવસથી જ્યાં સુધી તે લોકોને મારી નાખવામાં નહીં આવે જેમણે માતાઓના સિંદૂર ભૂંસવાનું કામ કર્યું હતું, ત્યાં સુધી આપણે શાંતિથી શ્વાસ લઈ શકીશું નહીં.
આપણ વાંચો: પોલીસ વિશેના વિવાદાસ્પદ નિવેદન બદલ ગાયકવાડે માફી માંગી
વડાપ્રધાનની પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી
દેવડાએ આ નિવેદન પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલી કાર્યવાહીના સંદર્ભમાં આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાને જે જવાબ આપ્યો છે, તેની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે.
જો કે, તેમના આ વાક્ય પહેલાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેના કારણે કોંગ્રેસે તેમના પર સેનાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસે કરી રાજીનામાંની માંગ
કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું હતું કે, “‘દેશની સેના અને સૈનિકો વડાપ્રધાન મોદીના ચરણોમાં નતમસ્તક છે’, આ વાત મધ્યપ્રદેશની ભાજપ સરકારના નાયબ મુખ્ય પ્રધાન જગદીશ દેવડાએ કહી છે.
જગદીશ દેવડાનું આ નિવેદન અત્યંત ખરાબ અને શરમજનક છે. આ સેનાના શૌર્ય અને પરાક્રમનું અપમાન છે. જ્યારે આખો દેશ આજે સેના સામે નતમસ્તક છે, ત્યારે અમારી બહાદુર સેના માટે ભાજપના નેતાઓ પોતાની ખરાબ માનસિકતા વ્યક્ત કરી રહ્યા છે. ભાજપ અને જગદીશ દેવડાએ માફી માંગવી જોઈએ. તેમને પદ પરથી બરતરફ કરવા જોઈએ.”