
પોર્વોરિમ (ગોવા): અહીં રણજી ટ્રોફીના નવા રાઉન્ડમાં આજે સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુન તેન્ડુલકરે કમાલની બોલિંગ કરી હતી અને વર્ષોથી પોતે જે અનેરી સિદ્ધિની રાહ જોઈ રહ્યો હતો એ મેળવી હતી. તે રણજીમાં ગોવા વતી રમે છે અને અરુણાચલ પ્રદેશ સામેની મૅચમાં તેણે માત્ર પચીસ રનમાં પાંચ વિકેટ લીધી હતી. તેણે કરીઅરની શરૂઆત કર્યા બાદ છેક 17મી ફર્સ્ટ-ક્લાસ મૅચમાં આ ઉપલબ્ધિ મેળવી છે.
આ પણ વાંચો : બાવીસમીથી પાકિસ્તાનમાં બ્લાઇન્ડ વર્લ્ડ કપઃ ભારતીય ક્રિકેટરો ગૃહ મંત્રાલયની મંજૂરીની રાહ જુએ છે
પચીસ વર્ષીય લેફ્ટ-આર્મ મિડિયમ ફાસ્ટ બોલર અર્જુન તેન્ડુલકરના તરખાટ (9-3-25-5)ને લીધે અરુણાચલની ટીમ ફક્ત 84 રનમાં ઑલઆઉટ થઈ હતી. ગોવાના ઑફ-સ્પિનર મોહિત રેડકરે ત્રણ વિકેટ અને લેફ્ટ-આર્મ સ્પિનર કિથ પિન્ટોએ બે વિકેટ લીધી હતી.
અર્જુનનો આ પહેલાંનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ 4/49નો હતો. તે પહેલી વાર ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં એક દાવમાં પાંચ વિકેટ લેવામાં સફળ થયો છે.
અરુણાચલના કૅપ્ટન નબામ ઍબો (અણનમ પચીસ રન) સિવાય બીજો કોઈ બૅટર પચીસ રન સુધી પણ નહોતો પહોંચી શક્યો.
ગોવા અને અરુણાચલ પ્રદેશની આ મૅચ રણજી ટ્રોફીના પ્લેટ ગ્રૂપમાં રમાઈ રહી છે અને ગોવા અગાઉની ચારેય મૅચ જીત્યું હતું.
આ પણ વાંચો : ભારતની પ્રથમ ટેસ્ટ માટેની પર્થની પિચ કેવી હશે જાણો છો?
અર્જુન છેલ્લે 2022માં મીડિયામાં ચમક્યો હતો. ત્યારે તેણે રાજસ્થાન સામે ગોવા વતી ડેબ્યૂ મૅચમાં સેન્ચુરી ફટકારી હતી.