
ચેન્નઈઃ ઉત્તર ચેન્નઈ થર્મલ પાવર સ્ટેશન (એનોર)ના નિર્માણ સ્થળે આજે મોટી દુર્ઘટના ઘટી. નિર્માણાધીન એક આર્ચ તૂટી પડવાને કારણે અનેક મજૂરો દટાયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું પ્રશાસને જણાવ્યું.
પ્રાથમિક માહિતી અનુસાર લગભગ 30 ફૂટની ઊંચાઈ પરથી મજૂરો પર આર્ચ પડ્યો હતો. અચાનક બનેલી દુર્ઘટનાને કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી, જ્યારે કાટમાળમાંથી દબાયેલા મજૂરોને તાત્કાલિક બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
આ બનાવમાં નવ લોકોનાં મોત થયા છે, જ્યારે દસથી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. તમામ ઘાયલ લોકોને નોર્થ ચેન્નઈની સ્ટેનલી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં સારવાર ચાલુ છે, એમ ડોક્ટરે જણાવ્યું હતું.
કાટમાળમાંથી મજૂરોને બહાર કાઢવામાં બહુ મહેનત કરવી પડી હતી, જ્યારે પીડિત મજૂરો ઉત્તર ભારત તથા અમુક આસામના વતની છે. તમિલનાડુ વિદ્યુત બોર્ડના સચિવે કહ્યું છે કે એન્નોર થર્મલ પાવર નિર્માણ સ્થળેથી નવ મજૂરના મોત થયા છે.
પોલીસ કમિશનરે કહ્યું છે કે આર્ચ તૂટી પડવાનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. તપાસ પણ હાથ ધરવામાં આવી છે. આ અગાઉ ફેબ્રુઆરી મહિનામાં પણ મદુરાઈના મટુટ્થવાની બસ સ્ટેન્ડ ખાતે પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો, જેમાં એકનું મોત થયું હતું, જ્યારે કોન્ટ્રાક્ટરને ગંભીર ઈજા પહોંચી હતી.