Top Newsનેશનલ

નાક નીચે રેલો આવ્યોઃ અરવલ્લી મુદ્દે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી 90 ટકાથી હિસ્સો….

ગેરકાયદે ખનન રોકવા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ થશે….

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા 20 નવેમ્બર 2025ના રોજ કેન્દ્ર સરકારે કરેલી ભલામણનો સ્વીકાર કરી લીધો છે. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે, હવે માત્ર 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પહાડને જ ‘અરવલ્લી પર્વત’ માનવામાં આવશે, જેથી અરવલ્લી પર્વતમાળાની નવી પરિભાષા મંજૂરી આપી દેવામાં આવી છે. આ મામલે અત્યારે સોશિયલ મીડિયામાં અરવલ્લી બચાવોનું એક અભિયાન શરૂ થયું છે.

એટલું જ નહીં પરંતુ મોટા મોટા પર્યાવરણવિદો પણ આ ચુકાદા મામલે ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર પણ અરવલ્લી બચાવો ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં લોકોને ડર છે કે, આ ચુકાદાના કારણે અહીં મોટા પ્રમાણમાં ખનનને મંજૂરી આપવામાં આવશે જેના કારણે અરવલ્લી પર્વતમાળાનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. હવે આ મુદ્દે કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન દ્વારા ખુલાસો કર્યો છે.

અરવલ્લીનો 90 ટકાથી પણ વધારે ભાગ સંરક્ષિત

કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, આ નવી પરિભાષાના કારમે અરવલ્લીનો 90 ટકાથી પણ વધારે ભાગ સંરક્ષિત ક્ષેત્રમાં આવે છે. 100 મિટરના વિવાદ મામલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર અરવલ્લી ટેકરીઓ અને પર્વતમાળાઓની વ્યાખ્યા બધા રાજ્યોમાં પ્રમાણિત કરવામાં આવી છે. જેના કારણે હવે તેનો દુરૂપયોગ થતો રોકી શકાશે. એટલું જ નહીં, પરંતુ જ્યાં ટેકરીઓના પાયાની ખૂબ નજીક ખાણકામ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હોય ત્યાં દુરુપયોગ અટકાવી શકાશે. રહીં વાત અરવલ્લી પર્વતમાળાની સુપ્રીમ કોર્ટને ચુકાદો તેને વધારે સંરક્ષણ આપવાનો છે.

પર્યાવરણ મંત્રાલયના સચિવની અધ્યક્ષતામાં બની સમિતિ

સુપ્રીમ કોર્ટે અરવલ્લી ક્ષેત્રમાં ગેરકાયદે ખાણકામ સંબંધિત લાંબા સમયથી પડતર કેસોની સુનાવણી કરતી વખતે, મે 2024માં એક સમાન વ્યાખ્યાની ભલામણ કરવા માટે એક સમિતિની રચના કરી હતી. પર્યાવરણ મંત્રાલયના સચિવની અધ્યક્ષતામાં બનેલી સમિતિમાં રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને દિલ્હીના પ્રતિનિધિઓ, તેમજ ટેકનિકલ સંસ્થાઓના સભ્યોનો સમાવેશ થતો હતો.

સમિતિના અહેવાલ પ્રમાણે ફક્ત રાજસ્થાન પાસે જ અરવલ્લીની ઔપચારિક વ્યાખ્યા જેમાં સ્થાનિક ભૂ-ભાગથી 100 મીટર કે તેથી વધુ ઊંચા ભૂમિ સ્વરૂપોને ટેકરીઓ ગણવામાં આવે છે, અને આવા ટેકરીઓને ઘેરી લેતા બાઉન્ડિંગ કોન્ટૂરની અંદરના સમગ્ર વિસ્તારમાં ખાણકામ પ્રતિબંધિત છે. આ વ્યાખ્તા 2006થી અમલમાં હતી.

અરવલ્લી પર્વતમાળા સંબંધિત તે ઉપાયોમાં 500 મીટરથી ઓછી અંતરે આવેલી ટેકરીઓને એક જ પર્વતમાળા ગણવાની જોગવાઈ કરવામાં આવી છે. કોઈ પણ ખનનનો નિર્ણય લેતા પહેલાં ‘સર્વે ઓફ ઇન્ડિયા’ના નકશા પર ટેકરીઓ અને પર્વતમાળાઓની અનિવાર્ય મેપિંગ કરવાનું રહેશે. સાથે જ કોર અને અવિનાશી વિસ્તારોની સ્પષ્ટ ઓળખ કરાશે, જ્યાં કોઈપણ પ્રકારનું ખનન સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. સરકારે આ દાવાને પણ નકાર્યો છે કે 100 મીટરથી નીચેના વિસ્તારોમાં ખનનને મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો…રાજસ્થાનથી લઈને ગુજરાત સુધી શા માટે ઉઠ્યો ‘અરવલ્લી બચાવો’ના નાદ? જાણો શું છે સમગ્ર વિવાદ…

દિલ્હીમાં કોઈ પણ પ્રકારના ખનનને મંજૂરી જ નથી

સરકારે સ્પષ્ટ કર્યું કે પ્રતિબંધ માત્ર ટેકરીની ચોટી કે ઢાળ સુધી મર્યાદિત નથી, પરંતુ આખા પર્વત તંત્ર અને તેમાંના ભૂ-આકારો પર લાગુ પડે છે. સરકારના જણાવ્યા મુજબ રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતના જિલ્લાસ્તરીય વિશ્લેષણમાં જોવા મળ્યું છે કે કાયદેસર રીતે મંજૂર ખનન અરાવલી ક્ષેત્રના કુલ ભૌગોલિક ક્ષેત્રના માત્ર 0.19 ટકા ભાગમાં થઈ રહ્યું છે.
દિલ્હીમાં અરવલ્લી પર્વતમાળામાં આવતા પાંચ જિલ્લામાં કોઈપણ પ્રકારના ખનનને મંજૂરી આપવામાં આવી નથી. અરવલ્લી માટે સૌથી મોટો ખતરો હજી પણ ગેરકાયદેસરનું ખનન છે, જેને રોકવા માટે સમિતિએ ડ્રોન અને નવી ટેક્નોલોજી વડે મોનીટરીંગ તથા અમલીકરણ માટે પણ રજૂઆતો કરી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button