નેશનલ

અરવલ્લી બચાવો અભિયાન કોના માટે? કોંગ્રેસના શાસનમાં રાજસ્થાનના 31 પર્વતો નષ્ટ થયાનો ખુલાસો

નવી દિલ્હીઃ અરવલ્લી પર્વતમાળા મામલે કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. છતાં પણ હજી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી અત્યારે રાજસ્થાનમાં અરવલ્લી બચાવોનું અભિયાન ચલાવી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે, તેમને પર્વત અને પર્યાવરણની ચિંતા છે. પરંતુ આ વિરોધ પાછળું કારણ કઈક બીજું હોવાની આશંકાઓ છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કોંગ્રેસની મોટી ચિંતા અરવલ્લી નહીં પરંતુ ગેરકાયદે થતું ખનન અને ખનન માફિયા છે. જે છેલ્લા 20થી 25 વર્ષી પર્વતોને નુકસાન પહોંચાડીને કરોડો રૂપિયા છાપી રહ્યાં છે. અરવલ્લી પર્વતમાળાનો સૌથી વધારે ભાગ રાજસ્થાનમાં આવેલો હોવાના કારણે કોંગ્રેસ દ્વારા રાજસ્થાનમાં અરવલ્લી બચાવોનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ સાચી હકીકત શું છે? ચાલો વિસ્તારથી આ અહેવાલમાં જોઈએ…

અરવલ્લીમાં હવે ગેરકાયદે ખનન સંપૂર્ણ રીતે બંધ થશે

સુપ્રીમ કોર્ટની નવી પરિભાષા પ્રમાણે અને ઉપગ્રહ દ્વારા રાખવામાં આવતી વોચના કારણે ગેરકાયદે ખનન સંપૂર્ણ રીતે બંધ થવાનું છે. એટલા માટે હવે પર્વત બચાવોનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલા ખનન માફિયાઓ વન વિભાગના અધિકારીઓને રૂપિયા આપીને જમીનના નકશામાં ફેરબદલ કરીને ખનનની મંજૂરી લેતા હતા. જંગલની જમીનને મહેસૂલ જમીન તરીકે દર્શાવવામાં આવી હતી અથવા ખાણકામ વિસ્તારનો વિસ્તાર વધારવામાં આવ્યો હતો. પરંતુ હવે સુપ્રીમ કાર્ટના આદેશના કારણે આ ધંધો બંધ થઈ જવાનો છે.

કોંગ્રેસના શાસનકાળમાં રાજસ્થાનના 31 પર્વતો સંપૂર્ણ રીતે નષ્ટ થયા

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 1998થી લઈને 2023 સુધીમાં અરવલ્લી પર્વતમાળાને સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે. આ દરમિયાન કોંગ્રેસ દ્વારા કેમ કોઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું નહીં? આંકડા એવું કહે છે કે, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન રાજસ્થાનના 31 પર્વતો સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયાં છે. હજારોની સંખ્યામાં ગેરકાયદે ખાણકામ કામગીરી ચાલી હતી. 2005થી 2012 સુધીમાં 16 લાખ ટનથી પણ વધારે ખનિજને ગેરકાયદે કાઢવામાં આવ્યું હતું. 2019 ના એક અહેવાલમાં ખુલાસો થયો હતો કે, સુપ્રીમ કોર્ટના આદેશો છતાં 18 ખાણકામ લીઝ રિન્યુ કરવામાં આવી હતી. આખરે શા માટે? આ સમયે કોંગ્રેસ શું કરી રહી હતી? કેમ ત્યારે અરવલ્લી બચાવોનું અભિયાન શરૂ ના કરવામાં આવ્યું?

અરવલ્લીનો 90 ટકા ભાગ ખનન માટે ખુલ્લો કરાશેનો દાવો ખોટો

કોંગ્રેસનો એવો દાવો છે કે, અરવલ્લી પર્વતમાળાની નવી પરિભાષાના કારણે તેનો 90 ટકા ભાગ ખનન માટે ખુલ્લો કરી દેવામાં આવશે. પરંતુ કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે તે આ તદ્દન ખોટી અને ભ્રામક વાત છે. નવા નિયમો પ્રમાણ અરવલ્લીના સંપૂર્ણ વિસ્તારમાંથી માત્ર 0.19 ટકા ભાગમાં જ ખનનને મંજૂરી આપવાનો વિચાર કરવામાં આવશે. બાકીનો 99 ટકા ભાગ સંપૂર્ણ રીતે સુરક્ષિત અને સંરક્ષિત રહેવાનો છે. માત્ર પર્વતો જ નહીં પરંતુ અરવલ્લીની ટેકરીઓ પણ સુરક્ષિત રહેવાની છે. તેઓ 1 કિમીના બફર ઝોન, પાણીના સ્ત્રોતોનું રક્ષણ અને કડક પર્યાવરણીય પરિસ્થિતિઓને પણ આધીન રહેશે. કેન્દ્ર સરકારનો દાવો છે કે, પર્વતમાળાની નવી વ્યાખ્યા વધારે પારદર્શી અને વૈજ્ઞાનિક છે. જેથી કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી.

કોણ છે આ રામલાલ જાટ?

સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે કોંગ્રેસે જેને અરવલ્લી બચાવોનું અભિયાને સોપ્યું છે તે કોંગ્રેસના પૂર્વ પ્રધાન રામલાલ જાટ છે. મુદ્દાની વાત એ છે કે, રામલાલ જાટ અને તેમનો પરિવાર અરવલ્લી ગ્રેનાઈટ માર્બલ પ્રાઈવેટ લિમિટેડના નામની કંપનીનો માલિક છે. તેમના પર જંગલની જમીનને ખનનમાં આપવાનો, 2023 માં ભીલવાડમાં ગ્રેનાઈટ ખાણનો ગેરકાયદેસર કબજો કરવા સહિતના અનેક કેસો ચાલી રહ્યાં છે. તો પ્રશ્ન એ થાય છે કે, જેના પર ગેરકાયદે ખનનનો આરોપ છે તે વ્યક્તિને અરવલ્લીની ચિંતા કેવી રીતે થવા લાગી? કોંગ્રેસ પાર્ટી શું સાબિત કરવા માંગે છે? અથવા બની શકે છે કે, કોંગ્રેસ પાર્ટીએ પૂરો અભ્યાસ કર્યા વિના જ રાજકીય રોટલો શેકવા અભિયાન શરૂ કરી દીધું છે!

હવે દર ત્રણ મહિને સ્વતંત્ર ઓડિટ થશે

સરકારનું કહેવું છે કે, 2025ની નવી ખનન નીતિ સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે. હવે કોઈ પણ રીતે મનસ્વી નિર્ણયો લેવામાં નહીં આવે! આ માસ્ટર પ્લાનમાં ફેરફાર કરવા માટે સુપ્રીમ કોર્ટે પણ મંજૂરી આપી દીધી છે. દર ત્રણ મહિને સ્વતંત્ર ઓડિટ થશે. સેટેલાઇટ દ્વારા સાપ્તાહિક રીતે મોનિટરિંગ કરવામાં આવશે. જો કોઈ કંપની નિયમો તોડશે, તો તેના બોન્ડ જપ્ત કરવામાં આવશે. જેનો પર્વત પર ફરીથી હરિયાળો કરવામાં ઉપયોગ કરવામાં આવશે. હવે સામાન્ય લોકોને પણ સવાલ કરવાનો અધિકાર આપવામાં આવશે. કેન્દ્રનો દાવો છે કે, કોંગ્રેસ દ્વારા માત્ર રાજકીય ફાયદા માટે અરવલ્લી બચાવોનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

તેમનો ગેરકાનૂની ધંધો બંધ થયો એટલે અભિયાન શરૂ કર્યું છે

જ્યારે અરવલ્લીમાં પર્વતોને તોડવામાં આવી રહ્યાં હતા, ત્યારે કોંગ્રેસ શાંત હતી અને હવે જ્યારે વૈજ્ઞાનિક અને પારદર્શી વ્યવસ્થા બનાવવામાં આવી છે, ત્યારે કેમ કોંગ્રેસ સવાલ કરી રહી છે. કેન્દ્ર સરકારે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે, તેમને ગેરકાનૂની ખનનનો ધંધો બંધ થયો એટલે હવે પર્વતોની ચિંતા થઈ રહી છે. વાસ્તવમાં આ ઝુંબેશ અરવલ્લીઓને બચાવવા માટે નથી, પરંતુ તે લોકોના ગેરકાયદેસર નફાને બચાવવા માટે કરાવમાં આવી છે. વધુમાં કહ્યું કે, ગરીબો અને પર્યાવરણના સાચા સાથી ખોટા નારા લગાવનારા નથી, પરંતુ પારદર્શક અને ન્યાયી વ્યવસ્થા લાવીને ગેરકાયદે માફિયાઓ પર અંકુશ લગાવનારા સરકાર છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button