ખેડૂતોને ફટકો: ખેતી માટે ઉપયોગી બાયોસ્ટીમ્યુલન્ટ્સના વેચાણની મંજુરી રદ્દ, સરકારે કેમ લીધો નિર્ણય?

નવી દિલ્હી: કેન્દ્રીય કૃષિ મંત્રાલયે કેટલાક કૃષિ પાકો માટે ઉપયોગી બાયોસ્ટીમ્યુલન્ટ્સના વેચાણને થોડા મહિનાઓ પહેલા મંજુરી આપી હતી, હવે મંત્રાલયે ધાર્મિક અને આહાર પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને આ મંજુરી પાછી ખેંચી છે, જેને કારણે બાયોસ્ટીમ્યુલન્ટ્સના ઉત્પદકો અને ખેડૂતોને મોટો ફટકો પડી શકે છે.
અહેવાલ મુજબ ચિકન પીંછા, ડુક્કરના માંસ, ગાયના ચામડા અને માછલીમાંથી બનતા 11 બાયોસ્ટીમ્યુલન્ટ્સના વેચાણ માટેની મંજૂરી પાછી ખેંચી લેવામાં આવી છે. એક અખબારી અહેવાલ મુજબ હિન્દુ અને જૈન સમુદાયના લોકો દ્વારા કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને કેટલાક પત્રો લખવામાં આવ્યા હતાં, જેમાં પ્રાણીઓના અંગોમાંથી બનતા આવા બાયોસ્ટીમ્યુલન્ટ્સ પર પ્રતિબંધ લગાવવાનો માંગ કરવામાં આવી હતી.
બાયોસ્ટીમ્યુલન્ટ્સનો ઉપયોગ:
બાયોસ્ટીમ્યુલન્ટ્સ સામાન્ય રીતે પ્રવાહી સ્વરૂપમાં હોય છે , તેનો પાક પર છંટકાવ કરવામાં આવે છે. બાયોસ્ટીમ્યુલન્ટ ખાતરો કે જંતુનાશકોથી અલગ હોય છે, બાયોસ્ટીમ્યુલન્ટ છોડને પોષક તત્વો પૂરા પડતા નથી અને જીવાતો પર સુધી રીતે નિયંત્રણ પર રાખતા નથી. પરંતુ બાયોસ્ટીમ્યુલન્ટની મદદથી છોડ પોષક તત્વો વધુ સારી રીતે શોષી શકે છે, છોડની વૃદ્ધિ ઝડપી બને છે અને રોક પ્રતિકારક શક્તિ વધે છે, પરિણામે ઉપજમાં વધારો થાય છે. બાયોસ્ટીમ્યુલન્ટ્સને કારણે પાકની ગુણવત્તા પણ વધે છે.
બાયોસ્ટીમ્યુલન્ટ્સના ઉત્પાદકોને ફટકો:
અહેવાલ મુજબ, ભારતમાં બાયોસ્ટીમ્યુલન્ટ્સનું માર્કેટ 2024 માં US$ 355.53 મિલિયનનું હતું અને 2032 સુધીમાં તે વધીને US$ 1,135.96 મિલિયન થવાનો અંદાજ છે. કોરોમંડલ ઇન્ટરનેશનલ, સિંજેન્ટા અને ગોદરેજ એગ્રોવેટ બાયોસ્ટીમ્યુલન્ટ્સના મુખ્ય ઉત્પાદકો છે, આ ઉપરાંત ઘણાં નાના ઉત્પાદકો પણ છે. હવે સરકારે બાયોસ્ટીમ્યુલન્ટ્સના વેચાણની મંજુરી પાછી ખેંચતા તેમને ફટકો પડ્યો છે.
11 બાયોસ્ટીમ્યુલન્ટ્સ પર પ્રતિબંધ:
30 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલા એક નોટિફિકેશનમાં મંત્રાલયે પ્રોટીન હાઇડ્રોલિસેટ્સમાંથી બનતા 11 બાયોસ્ટીમ્યુલન્ટ્સના વેચાણ પણ પ્રતિબંધ મુક્યો છે. જેનો ઉપયોગ ચણા, ટામેટા, મરચાં, કપાસ, કાકડી, મરી, સોયાબીન, દ્રાક્ષ અને ડાંગરના પાક માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
વર્ષ 2021 પહેલા, ભારતમાં બાયોસ્ટીમ્યુલન્ટ્સ કોઈ પણ નિયમો વગર વેચાતા હતા. 2021 માં, સરકારે બાયોસ્ટીમ્યુલન્ટ્સને ફર્ટીલાઈઝર (કંટ્રોલ) ઓર્ડર (FCO) હેઠળ લાવ્યા. જેનાથી કંપનીઓએ બાયોસ્ટીમ્યુલન્ટ્સના ઉત્પાદન પહેલા રજીસ્ટ્રેશન કરવાવું ફરજીયાત થયું, સાથે પ્રોડક્ટની સલામતી અને અસરકારકતા સાબિત કરવી ફરજીયાત બનાવવામાં આવી હતી.