Apprentice Recruitment: 10 પાસ યુવાનો માટે રેલવેમાં આવી મોટી ભરતી, જલદી કરી દેજો અરજી
રેલવેમાં એપ્રેન્ટિસ માટે 3115 જગ્યા પર ભરતીની જાહેરાત

Railway Apprentice Recruitment: ભારતીય રેલવેમાં કામ કરવાનું ઘણા યુવાનોનું સપનું હોય છે. જેના માટે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અવારનવાર ભરતીની જાહેરાત કરતું રહે છે. ખાસ વાત એ છે કે, રેલવેમાં ધોરણ 10 પાસથી લઈને સ્નાતક સુધીનો અભ્યાસ કરનાર લોકો પણ ભાગ લઈ શકે છે. તાજેતરમાં ભારતીય રેલવે દ્વારા એપ્રેન્ટિસ માટે 3115 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
ધો. 10 પાસ કરેલા લોકો માટે મોટી તક
ધો. 10 કરીને આઈટીઆઈનો ટેક્નિકલ કોર્સ કરતા યુવક-યુવતીઓને એપ્રેન્ટિસ તરીકે કામ કરવું પડે છે. જેને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે દ્વારા એપ્રેન્ટિસની 3115 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય રેલવેના પૂર્વ રેલવે વિભાગ આરઆરસી કોલકત્તા ડિવિઝનના ધોરણ 10 પાસ યુવાનો પાસે આ ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
રેલવેના સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યાનુસાર, rrcer.org વેબસાઈટ પરઆ ભરતીના ઓનલાઈન ફોર્મ ભરાવવાની શરૂઆત 14 ઓગસ્ટ 2025ના રોજ થશે. જેની છેલ્લી તારીખ 13 સપ્ટેમ્બર 2025 છે. ફોર્મ ભરતી વખતે ઉમેદવારોએ 100 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે. એસસી, એસટી, મહિલાઓ અને પીડબલ્યુડી ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહી. જોકે, ઉમેદવારોએ અરજી કરતા પહેલા આ ભરતીની શૈક્ષણિક લાયકાતો તથા અન્ય માહિતી પણ મેળવી લેવી જોઈએ.
એપ્રેન્ટિસ ભરતી માટેની લાયકાત
રેલવેમાં એપ્રેન્ટિસની ભરતીમાં અરજી કરવા માંગતા યુવક કે યુવતીની ઉંમર ઓછામાં ઓછી 15 અને વધુમાં વધુ 24 વર્ષની સુધીની હોવી જોઈએ. એસસી, એસટી ઉમેદવારોને વયમર્યાદામાં 5 વર્ષની તથ ઓબીસી કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષની છૂટ આપવામાં આવશે. જ્યારે પીડબ્લ્યુડી કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં 10 વર્ષની છૂટ આપવામાં આવશે.
અરજી કરનાર ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધો. 10(એસએસસી) અથવા તેને સમકક્ષ શિક્ષણ મેળવ્યું હોવાની પ્રમાણપત્ર હોવું જોઈએ. ઉમેદવારના ધો.10માં ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ આવેલા હોવા જોઈએ. આ સિવાય ઉમેદવાર પાસે કોઈપણ ટ્રેડમાં આઈટીઆઈ કર્યાનું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ. આ ભરતીની વધુ માહિતી માટે તમે rrcer.org વેબસાઈટની મુલાકાત પણ લઈ શકો છો.
આપણ વાંચો: પર્સમાં આ 5 વસ્તુઓ રાખવાની ન કરશો ભૂલ, નહીંતર ખાલી થઈ જશે પૈસાની તિજોરી