વિશ્વ પ્રસિધ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં `પ્રો. વૈદ્ય અનૂપ ઠાકરની એકેડમિક કાઉન્સિલમાં સભ્ય તરીકે નિમણૂક’
ગુજરાત જ નહીં પણ ભારત ભરમાંથી એક માત્ર આયુર્વેદ તજજ્ઞ તરીકે પસંદગી.

આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (આઇ.ટી.આર.એ.)ના નિયામક પ્રો. વૈદ્ય અનૂપ ઠાકરની વિશ્વ પ્રસિધ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટીની મહત્વની એકેડમિક કાઉન્સિલમાં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ કાઉન્સિલમાં સમગ્ર દેશમાંથી માત્ર આઠ સભ્યોને જ પસંદ કરવામાં આવે છે ત્યારે પ્રો. અનૂપ ઠાકરની પસંદગી તેઓની વ્યક્તિગત યોગ્યતા, કુશળતા, અનુભવ, શૈક્ષણિક અનુભવ અને તેમના કાર્યોને આધારે કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી આયુર્વેદ ક્ષેત્રના નિષ્ણાત તરીકે તેઓ પસંદગી પામ્યા છે તે ગર્વની વાત છે.

આઇ.ટી.આર.એ. એ દેશનું સૌપ્રથમ અને એક માત્ર રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતું સંસ્થાન છે ત્યારે તેના ડાયરેક્ટર તરીકે તેઓની આ પસંદગી એ સંસ્થાની યશકલ્ગીમાં એક વધુ પીંછું ઉમેર્યું છે!
અત્રે ઉલ્લેખનીય છે કે મૂળ ગાંધીનગરના વતની પ્રોફેસર વૈદ્ય અનૂપ ઠાકર આયુર્વેદ ક્ષેત્રમાં એમ.ડી., પી.એચડી.નો અભ્યાસ કર્યો છે અને ત્રીસ વર્ષનો બહોળો શૈક્ષણિક અનુભવ ધરાવે છે. તેમના માર્ગદર્શનમાં સિતેરથી વધુ વિદ્યાર્થીઓએ સંશોધન પદવી પ્રાપ્ત કરી ચૂક્યાં છે. ૧૨૫થી વધુ વખત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સેમિનાર-વર્કશોપમાં તજજ્ઞ વકતવ્ય આપ્યું છે. નોંધનીય પુસ્તકો તેના ખંડો અને ૧૦૦થી વધુ સંશોધન પત્રો પ્રસિધ્ધ કરી ચુક્યાં છે. અત્યાર સુધીમાં વિવિધ ફેલોસિપ અને એવોર્ડ હાંસલ કર્યા છે.
વૈદ્ય અનૂપ ઠાકર ઇટ્રાના નિયામક ઉપરાંત ડબલ્યુ. એચ. ઓ.ના આયુર્વેદના સહયોગી કેન્દ્રના હેડ તરીકે પણ જવાબદારી નિભાવે છે. વધુમાં તેઓ દેશની નામાંકિત સંસ્થાઓ-યુનિવર્સિટીમાં પણ સભ્ય તરીકે કાર્યરત છે. તેઓના મર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં પંદર જેટલાં મહત્વકાંક્ષિ પ્રોજેક્ટ પર કાર્ય સંપન્ન થઇ ચૂક્યું છે. તેઓની બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં એકેડમિક કાઉન્સિલમાં સભ્ય તરીકે નિમણૂક થતા સમગ્ર આયુર્વેદ જગતમાં એક હર્ષની લાગણી ફેલાઇ છે!