‘Gyanvapi’ના તળગૃહની જર્જરિત છતને રિપેર કરવા માટે કોર્ટમાં અરજી

નવી દિલ્હીઃ વારાણસી જ્ઞાનવાપી કેસમાં તળગૃહના સમારકામની માગણી કરતી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. શ્રીકાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારીએ જ્ઞાનવાપીના તળગૃહના સમારકામ માટે કોર્ટમાં અરજી કરી છે. વ્યાસજીના ભોંયરાનું સમારકામ કરવા કોર્ટમાં માંગણી કરવામાં આવી છે. આ અરજી જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, જેમાં વ્યાસજીના તળગૃહ ઉપરની છત પર કોઈને જતા રોકવાની પણ માંગ કરવામાં આવી છે. શ્રીકાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી વિશ્વભૂષણ વતી એડવોકેટ રવિકુમાર પાંડેએ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ કેસની આગામી સુનાવણી 19 માર્ચે થશે.
કાશી વિદ્વત પરિષદે વ્યાસજી કા તહેખાનાને નવું નામ નામ આપ્યું હતું. આ ભોંયરું હવે તળગૃહ કે તાલગૃહ તરીકે ઓળખાય છે. વાસ્તવમાં આ જગ્યા લાંબા સમયથી બંધ હતી, તાજેતરમાં જ કોર્ટના આદેશ બાદ પૂજા માટે ખોલવામાં આવી છે. હવે તેના સમારકામ માટે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

આ પહેલા હિન્દુ પક્ષ તરફથી જિલ્લા કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં વ્યાસજીના ભોંયરાની છતથી ઢંકાયેલી મસ્જિદના ભાગ પર પ્રવેશને રોકવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત ભોંયરાની છત પર નમાઝ પઢવા પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી હતી. તેની અરજીમાં હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે છતનો ભાગ જર્જરિત છે કારણ કે તે 500 વર્ષ જૂનો છે. હિંદુ પક્ષે પણ કોર્ટ પાસે સમારકામની માંગણી કરી છે.