સુનક ઉપરાંત G-20 સમિટમાં આવેલા આ બે વિદેશી મહેમાનો પણ ભારતીય મૂળના
નવી દિલ્હીઃ જી-20 સમિટ શરૂ થઈ ગઈ છે. દુનિયાના મોટા દેશો અત્યારે દિલ્હીમાં એકઠા થયા છે. જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનથી લઈને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સુધીના નામ સામેલ છે. દિલ્હીમાં વિદેશી મહેમાનોનો મેળાવડો જામ્યો છે.
ભારતીય મૂળના બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક ભારત આવીને ખૂબ જ ખુશ છે. તેમના પત્ની અક્ષતા મૂર્તિ પણ સુનક સાથે ભારત આવ્યા છે. બંનેની તસવીરો ઘણી ચર્ચામાં છે. જો કે, G-20 સમિટમાં ભાગ લેનાર ઋષિ સુનક એકમાત્ર વિદેશી મહેમાન નથી જે ભારતીય મૂળના છે. તેમના સિવાય આ સમિટમાં વધુ બે વ્યક્તિઓ ભાગ લઈ રહી છે જેઓ ભારત સાથે ઊંડા સંબંધો ધરાવે છે. જી-20 સમિટમાં ભાગ લેવા આવેલા મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જગનાથ અને વર્લ્ડ બેંકના અજય બંગા બંને ભારતીય મૂળના છે.
મોરેશિયસના વડાપ્રધાન પણ જી-20 સમિટમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા છે. G20 સમિટમાં મહેમાન તરીકે હાજરી આપવા માટે ઘણા દેશોના વડાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગનાથ સમિટ માટે ભાગ લેવા ભારત આવ્યા છે. વડાપ્રધાન પ્રવિંદ પણ ભારતીય મૂળના છે. તેઓ 2017થી મોરેશિયસના વડા પ્રધાન પદ પર છે. તેમનો જન્મ હિન્દુ પરિવારમાં થયો હતો. તેમના પૂર્વજો ઉત્તર પ્રદેશના છે.
G20 સમિટમાં ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં વિશ્વ બેંકનો પણ સમાવેશ થાય છે. વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગા આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા છે. અજય બંગાનો જન્મ પુણેમાં થયો હતો અને તેણે પ્રાથમિક સ્તરનો અભ્યાસ સેન્ટ એડવર્ડ સ્કૂલ, શિમલામાં કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ વર્ષે જૂનમાં અજય બંગાએ વર્લ્ડ બેંકના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.