ભારતીય સેનામાં અપાચે ફાઇટર હેલિકોપ્ટરનો સમાવેશ: દુશ્મનોનો કાળ બનશે...

ભારતીય સેનામાં અપાચે ફાઇટર હેલિકોપ્ટરનો સમાવેશ: દુશ્મનોનો કાળ બનશે…

જોધપુર: દુશ્મનો સામે બાથ ભીડવા માટે ભારતીય સેના હંમેશાં સજ્જ રહે છે. સાથોસાથ સમયાંતરે અવનવી ટેક્નોલોજીથી સજ્જ અત્યાધુનિક હથિયારોને પણ પોતાના શસ્ત્રાગારમાં સામેલ કરતી રહે છે, જેમાં આજે ભારતીય સેનામાં નવા અપાચે ફાઈટર હેલિકોપ્ટર સામેલ કરવામાં આવ્યા છે. અપાચે ફાઈટર હેલિકોપ્ટર ભારતીય સેનાને કેવી રીતે મદદરૂપ થશે? આવો જાણીએ.

અપાચે ફાઈટર હેલિકોપ્ટરની ખાસિયત
અપાચે હેલિકોપ્ટર બે પાયલટ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. બે પૈકી એક પાયલટ હેલિકોપ્ટરનું સંચાલન કરે છે અને બીજો પાયલટ હથિયારોનું નિયંત્રણ કરે છે. આ હેલિકોપ્ટરની મહત્તમ સ્પીડ 280થી 365 કિમી/કલાક છે. તે એકવારમાં 3.5 કલાક સુધી ઉડાન ભરી શકે છે. તેની ઓપરેશનલ રેન્જ 500 કિમી સુધીની છે, જ્યારે તેનું ખાલી વજન 6838 કિગ્રા તથા મહત્તમ ટેક-ઓફ વજન 10,433 કિગ્રા છે.

અપાચે ફાઈટર હેલિકોપ્ટર AGM-114 Hellfire Missile, Hydra 70 Rockets, Stinger Missiles, Spike NLOS Missilesનું વહન કરી શકે છે. તે એક મિનિટમાં 128 ટાર્ગેટ લોક કરીને 16 જુદાજુદા ટાર્ગેટ પર હુમલો કરી શકે છે. તેની મલ્ટિ-ટાર્ગેટ ઇન્વોલ્વમેન્ટ ક્ષમતા તેને ભીડવાળા યુદ્ધવિસ્તારોમાં ખૂબ ઉપયોગી બનાવે છે. એટલું જ નહીં, તે MQ-1C ગ્રે ઈગલ જેવા ડ્રોનને પણ કંટ્રોલ કરી શકે છે.

જાસૂસી મિશનો માટે પણ કરશે કામ
અપાચે હેલિકોપ્ટરમાં એડવાન્સ સેન્સર સિસ્ટમ છે, જેમાં નાઈટ વિઝન અને થર્મલ ઇમેઝિંગ સેન્સરનો સમાવેશ થાય છે. આ સેન્સર રાતના અંધારામાં પણ દુશ્મનની ઓળખ કરી શકે છે. તેની ટાર્ગેટ એક્વિશિશન સિસ્ટમ અને પાયલ નાઈટ વિઝન સેન્સર પાયલટને ઓછી વિઝિબિલિટીમાં પણ સચોટ હુમલો કરવાની ક્ષમતા પ્રદાન કરે છે. તેના સેન્સર અને રડાર સિસ્ટમ જાસૂસી મિશનો પાટે પણ કુશળ છે. આ હેલિકોપ્ટરની ડિઝાઈન તેને મલ્ટિ-ડોમેન ઓપરેશન માટે આદર્શ બનાવે છે. તે ગ્રાઉન્ડ સ્ટ્રાઈક, એર ડિફેન્સ અને જાસૂસી મિશન માટે એક સાથે કામ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં પહેલા માત્ર વાયુસેના પાસે જ અપાચે ફાઈટર હેલીકોપ્ટર હતા. પરંતુ હવે ભારતીય થલસેનામાં પણ અપાચે ફાઈટર હેલિકોપ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. AH-64E ફાઈટર હેલિકોપ્ટરની પ્રથમ શિપમેન્ટ ભારતીય થલસેનાને મળી ચૂકી છે. જેને હવે રાજસ્થાનના જોધપુર એરબેઝ પર તૈનાત કરવામાં આવ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button