
નવી દિલ્હીઃ 1984ના શીખ રમખાણો સંબંધિત કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારી હતી. આ રમખાણો સબંધિત એક કેસમાં સજ્જન સિંહને દિલ્હી હાઇ કોર્ટ દ્વારા પહેલાથી જ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આવી સ્થિતિમાં નીચલી કોર્ટ દ્વારા બીજા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ શીખ રમખાણોમાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. દિલ્હી પોલીસ અને પીડિતોએ સજ્જન કુમારને ફાંસીની સજાની માંગ કરી હતી.
પોલીસે કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે, આ કેસ ‘નિર્ભયા કેસ’થી પણ વધુ ગંભીર છે. નિર્ભયા કેસમાં એક મહિલાને નિશાન બનાવવામાં આવી હતી. અહીં એક ‘ચોક્કસ સમુદાય’ના લોકોને નિશાન બનાવ્યા હતા. દિલ્હી પોલીસે પોતાની દલીલમાં કહ્યું હતું કે આમાં એક ચોક્કસ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ રમખાણે સમાજના અંતરાત્માને હચમચાવી નાખ્યો હતો. 1 નવેમ્બર 1984ના રોજ દિલ્હીના સરસ્વતી વિહાર વિસ્તારમાં બે શીખ, જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.
1984 anti-Sikh riots: Former Congress leader Sajjan Kumar awarded life imprisonment in murder case by special court
— Press Trust of India (@PTI_News) February 25, 2025
આ ઘટના સંબંધિત એફઆઈઆર ઉત્તર દિલ્હીના સરસ્વતી વિહાર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. રંગનાથ મિશ્રા કમિશન સમક્ષ ફરિયાદીઓ દ્વારા દાખલ કરાયેલા સોગંદનામાના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : 1984 ના શીખ વિરોધી રમખાણોઃ કૉંગ્રેસ નેતા સજ્જન કુમાર બે શીખની હત્યામાં દોષી…
શીખ રમખાણોમાં સજ્જન સિંહની શું ભૂમિકા હતી?
દિલ્હીમાં શીખો સામે રમખાણો ભડકાવવામાં સજ્જન કુમારનું નામ મોખરે છે. દિલ્હીના સુલતાનપુરી, કેન્ટ અને પાલમ કોલોની જેવી વિસ્તારોમાં ભડકેલી હિંસામાં તેમનો મુખ્ય હાથ હતો. પીડિતોના મતે 1 નવેમ્બર 1984ના રોજ, દિલ્હીમાં સંબોધિત કરતી વખતે સજ્જન કુમાર ‘અમારી માતાની હત્યા થઈ, સરદારોને મારી નાખો તેવું નિવેદન આપ્યું હતું, જે બાદ હિંસા ભડકી હતી.
સજ્જન સિંહ વિરુદ્ધ દાખલ કરાયેલા કેસોમાં, ઘણા સાક્ષીઓએ તેમના નિવેદનોમાં જણાવ્યું હતું કે સજ્જન સિંહે શીખોના ઘરો વ્યક્તિગત રીતે ઓળખી કાઢ્યા હતા અને ટોળાને હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા. સજ્જન સિંહના સમર્થકોએ દિલ્હીમાં મતદાર યાદી દ્વારા શીખોના ઘરો અને વ્યવસાયોને ઓળખી કાઢ્યા હતા અને તોડફોડ કરી હતી અથવા તેમને આગ લગાવી દીધી હતી. તેમજ ઘણા શીખોને તેમના ઘરમાંથી ખેંચીને મારી નાખવામાં આવ્યા હોવાના આરોપ પણ લાગ્યા હતા.