રાષ્ટ્ર વિરુદ્ધ કામ કરતી SIMI પર વધુ પાંચ વર્ષનો પ્રતિબંધ, ગૃહ મંત્રાલયે કર્યો આદેશ
નવી દિલ્હી: SIMI એટલે કે સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા પરનો પ્રતિબંધ કેન્દ્ર સરકારે પાંચ વર્ષ માટે લંબાવ્યો છે. ગૃહ મંત્રાલયે સોમવારે (29 જાન્યુઆરી) X પર પોસ્ટ દ્વારા આ પ્રતિબંધને લંબાવવાના આદેશની માહિતી શેર કરી હતી.
ટ્વિટર પર જાહેર કરેલી માહિતીમાં ગૃહ મંત્રાલય લખે છે કે આંતકવાદ વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝીરો ટોલેરેન્સ પોલિસી અંતર્ગત SIMI પર UAPA હેઠળ વધુ પાંચ વર્ષ માટે ગેરકાનૂની સંગઠન તરીકે ઘોષિત કર્યું છે.
કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ભારતમાં ઈસ્લામિક શાસન સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવતા કોઈપણ સંગઠનને અસ્તિત્વમાં રહેવાની મંજૂરી આપી શકાય નહીં. કેન્દ્રએ તેના સોગંદનામામાં આરોપ મૂક્યો છે કે સિમીના ઉદ્દેશ્યો દેશના કાયદાની વિરુદ્ધ છે, કારણ કે સંગઠનનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને યુવાનોને ઇસ્લામના પ્રચારમાં એકત્ર કરવાનો અને જેહાદ માટે સમર્થન મેળવવાનો છે.
કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સિમી ભારતની સાર્વભૌમત્વ, સુરક્ષા અને અખંડિતતાને જોખમમાં નાખવા, આતંકવાદને પ્રોત્સાહન આપવા, શાંતિ અને સાંપ્રદાયિક સદભાવને બગાડવામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
ગયા વર્ષે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંધનામું દાખલ કરીને સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI) પરના પ્રતિબંધને યોગ્ય ઠેરવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું હતું કે સિમી ભારતીય રાષ્ટ્રવાદની વિરુદ્ધ કામ કરી રહી છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે ઘણા વર્ષોથી પ્રતિબંધિત હોવા છતાં, સિમીએ વિવિધ સંગઠનો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવાનું ચાલુ રાખ્યું છે, તેથી તેની સામે નવો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે તે SIMI પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને ચેલેન્જ કરતી અરજીને ફગવવામાં આવે.