દિલ્હી એરપોર્ટ પરથી અનમોલ બિશ્નોઈની કરાઈ ધરપકડ: કેટલા કેસમાં થશે પૂછપરછ?

નવી દિલ્હી: કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અને તેના નજીકના સહયોગી અનમોલ બિશ્નોઈને અમેરિકામાંથી દેશનિકાલ (Deportation) કર્યા બાદ મંગળવારે ભારત લાવવામાં આવ્યો હતો. દિલ્હી પહોંચતા જ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ અનમોલ બિશ્નોઈની ધરપકડ કરી લીધી છે, જ્યાંથી તેને સીધો પટિયાલા કોર્ટ લઈ જવામાં આવ્યો છે. અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યા (12 ઓક્ટોબર 2024) સહિત અનેક રાજ્યોમાં ગંભીર ગુનાહિત આરોપો છે.
વિદેશમાંથી ચલાવતો હતો આતંકવાદી સિન્ડિકેટ
NIAની તપાસમાં સામે આવ્યું હતું કે, અનમોલ બિશ્નોઈ 2020થી 2023 દરમિયાન તેના ભાઈ લોરેન્સ બિશ્નોઈ અને આતંકવાદી ગોલ્ડી બ્રારને દેશમાં વિવિધ આતંકવાદી કૃત્યો કરવામાં સક્રિયપણે મદદ કરતો હતો. અનમોલ બિશ્નોઈ અમેરિકામાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગ માટે આતંકવાદી સિન્ડિકેટ ચલાવવા અને આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાનું ચાલુ રાખ્યું હતું. જેમાં ગ્રાઉન્ડ-લેવલ ઓપરેટિવ્સનો ઉપયોગ કરતો હતો.
અનમોલ બિશ્નોઈએ ગેંગના શૂટર્સ અને ગ્રાઉન્ડ ઓપરેટિવ્સને આશરો તથા લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો. તે પરદેશમાં અન્ય ગેંગસ્ટર્સની મદદથી ભારતમાં ખંડણી વસૂલવાના કેસમાં પણ સામેલ હતો. આ જ શ્રેણીમાં તેણે બાબા સિદ્દીકીની હત્યાનું કાવતરૂં ઘડ્યું હતું.
મુંબઈ પોલીસે બાબા સિદ્દીકી હત્યા કેસમાં તેને “મુખ્ય કાવતરાખોર” તરીકે ચાર્જશીટમાં વોન્ટેડ જાહેર કર્યો હતો. NIA દ્વારા RC 39/2022/NIA/DLI (લોરેન્સ બિશ્નોઈની આગેવાની હેઠળનો આતંકવાદી-ગેંગસ્ટર કાવતરું કેસ) હેઠળ તેની તપાસ ચાલુ રાખવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને હથિયારોના દાણચોરો વચ્ચેનું કનેક્શન તોડી પાડવાનો હતો. જોકે, હવે આજે NIA દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.
બાબા સિદ્દીકી હત્યાનું કાવતરું
ઉલ્લેખનીય છે કે, NCPના નેતા બાબા સિદ્દીકી પર 12 ઓક્ટોબર 2024ની રાત્રે ત્રણ શૂટરે ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં બે ગોળી છાતીમાં વાગતાં બાબા સિદ્દીકીનું લીલાવતી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મુંબઈ પોલીસની તપાસ મુજબ, બાબા સિદ્દીકીની હત્યાનું કાવતરું અનમોલે વિદેશમાં રહીને ઘડ્યું હતું.
પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓના ફોનમાંથી મળેલી વોઇસ ક્લિપ્સને અનમોલના રેકોર્ડિંગ્સ સાથે મેળવ્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં 26 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મૃતક નેતા બાબા સિદ્દીકીના પુત્ર ઝિશાન સિદ્દીકીએ પણ યુએસ સત્તાવાળાઓ તરફથી અનમોલ બિશ્નોઈના દેશનિકાલ અંગે ઈ-મેઈલ મેળવ્યો હતો.



