અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું અમેરિકામાં સ્કીઇંગ અકસ્માત બાદ નિધન: વેદાંત ગ્રુપમાં શોકનું મોજું

ન્યૂયોર્ક: અબજોપતિ ઉદ્યોગપતિ અને વેદાંત ગૃપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું 49 વર્ષની વયે અમેરિકામાં અવસાન થયું છે. સ્કીઇંગ દરમિયાન થયેલા ગંભીર અકસ્માત બાદ ન્યૂયોર્કની માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, સારવારના દરમિયાન તેમણે 7 જાન્યુઆરી 2026ને બુધવારના રોજ અંતિમ શ્વાસ લીધા હતાં.
અગ્નિવેશ મારું ગૌરવ અને મારી દુનિયા હતો
અનિલ અગ્રવાલે સોશિયલ મીડિયા પર પુત્રને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, “અગ્નિવેશ મારો પુત્ર જ નહીં, પણ મારો મિત્ર, મારું ગૌરવ અને મારી દુનિયા હતો.” અનિલ અગ્રવાલે પોતાના દીકરાને એક કુશળ સંગીતકાર અને રમતવીર તરીકે પણ બિરદાવ્યો હતો.
3 જૂન, 1976ના રોજ પટણા ખાતે અનિલ અગ્રવાલના ઘરે જન્મેલા અગ્નિવેશ અગ્રવાલે અજમેરની પ્રખ્યાત માયો કોલેજમાંથી અભ્યાસ પૂરો કર્યા બાદ વેદાંત ગૃપના વિસ્તરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અગ્નિવેશ અગ્રવાલે હિન્દુસ્તાન ઝિંકના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે સેવા આપી હતી. તેમણે UAEમાં મેટલ રિફાઇનિંગ કંપનીની પણ સ્થાપના કરી હતી. તેઓ તલવંડી સાબો પાવર લિમિટેડ (TSPL) અને ટ્વીન સ્ટાર ઇન્ટરનેશનલ જેવી ગ્રુપની અનેક કંપનીઓમાં ડાયરેક્ટર તરીકે કાર્યરત હતા.
અગ્નિવેશ અગ્રવાલેના પરિવારની વાત કરીએ તો તેમના લગ્ન પૂજા બાંગુર સાથે થયા હતા. પૂજા બાંગુર પશ્ચિમ બંગાળના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને શ્રી સિમેન્ટના એમડી હરિ મોહન બાંગુરની પુત્રી છે. તેમના દાદા બેનુ ગોપાલ બાંગુરનું નામ ભારતના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં સામેલ છે.
સ્કીઇંગ શું હોય છે?
બરફ પર લાંબા, સાંકડા સ્કિસ (skis) પહેરીને ઢોળાવ પર નીચે સરકવાની રમતને સ્કીઇંગ (Skiing) કહેવાય છે. જે બર્ફિલા વિસ્તારોમાં પરિવહનનો એક પ્રકાર પણ છે. જેની માટે બરફ, સ્કિસ, બૂટ અને પોલ્સ (sticks)ની જરૂર પડે છે. આ રમતમાં શરીરનું સંતુલન જાળવી રાખવું મહત્ત્વપૂર્ણ અને આવશ્યક છે.



