2.25 લાખ કરોડનું સામ્રાજ્ય ધરાવતા ભારતીય ઉદ્યોગપતિના પુત્રનું નિધન, ઉદ્યોગપતિએ કહ્યું હવે કઈ રીતે જીવાશે

નવી દિલ્હી: ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ અને વેદાંત ગૃપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું 49 વર્ષની વયે અમેરિકામાં અવસાન થયું છે, જેનાથી વેદાંત ગૃપમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આજે અનિલ અગ્રવાલને દીકરાની ખોટ વર્તાઈ રહી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક ભાવુક લખીને દીકરાને શ્રદ્ધાંજલિ આપી છે.
હું અને કિરણ સાવ ભાંગી પડ્યા છીએ
અનિગ અગ્રવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, મારો અગ્નિવેશ, મારો 49 વર્ષનો દીકરો આજે મારી વચ્ચે નથી રહ્યો. એક બાપના ખભા પર દીકરાની નનામી નીકળે એનાથી ખરાબ શું હોઈ શકે. તે મારો ફક્ત મારો દીકરો જ ન હતો, તે મારી શાન, મારું સમગ્ર વિશ્વ હતો. હું અને કિરણ સાવ ભાંગી પડ્યા છીએ. બસ એ જ વિચારી રહ્યા છીએ કે અમારો દીકરો તો ચાલ્યો ગયો. પરંતુ જે લોકો અમારા વેદાંત ગ્રુપમાં કામ કરે છે, એ બધા અગ્નિવેશ જ તો છે. એ બધા અમારા દીકરા-દીકરીઓ છે.
દીકરાની ઇચ્છાઓનો ઉલ્લેખ કરતા અનિલ અગ્રવાલે લખ્યું કે ભારતને આત્મનિર્ભર બનાવવું, અગ્નિ અને મારું સપનું હતું. તે હંમેશાં કહેતો હતો કે, પપ્પા આપણા દેશમાં શું નથી? તો પછી આપણે કોઈથી પાછળ કેમ રહીએ છીએ? અમારા દિલની ઈચ્છા એ જ રહી છે કે, દેશનું કોઈ બાળક ભૂખ્યું ન સૂવે, કોઈ બાળક અભણ ન રહે, દરેક મહિલા પગભર થાય અને તમામ યુવાનોને રોજગારી મળે.
તારા સપના અધૂરા રહેવા દઈશ નહીં
અનિલ અગ્રવાલે પોતાની પોસ્ટમાં આખરે દીકરાની અધૂરી ઇચ્છાઓ પૂરી કરવાની વાત કરી છે. તેમણે લખ્યું છે કે મેં અગ્નિવેશનને વચન આપ્યું હતું કે, આપણી પાસે જેટલા પણ રૂપિયા આવશે, તેના 75 ટકાથી વધારે હું સમાજના કામમાં રોકીશ.
આજે તે વચનનું ફરી ઉચ્ચારું છું. હવે હું વધારે સાદગીથી જીવીશ અને પોતાનું બાકીનું જીવન તેમાં ન્યોછાવર કરીશ. અગ્નિ, હજુ તો આપણે ઘણુ બધું કરવાનું હતું. તારે આખી જિંદગી જીવવાની હતી. કેટલા સપના હતા, કેટલી ઇચ્છાઓ હતી, બધી અધૂરી રહી ગઈ. સમજાતું નથી કે, તારા વગર આ જીવન કેવી રીતે વિતશે. તારી વિના જીવન અધૂરું રહેશે, પરંતુ તારા સપના અધૂરા રહેવા દઈશ નહીં.



