આંધ્રપ્રદેશના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ બાદ શ્રધ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ

શ્રીકાકુલમ : આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં કાશીબુગ્ગાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં શનિવારે એકાદશી નિમિત્તે ભક્તોની ભીડને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ ભાગદોડના નવ શ્રધ્ધાળુઓના મોત થયા હતા. જેની બાદ હવે પોલીસ એક્શનમાં આવી છે. તેમજ વેંકટેશ્વર સ્વામી મંદિરમાં શ્રધ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. આ દુર્ઘટનામાં અનેક શ્રધ્ધાળુઓ ઘાયલ પણ થયા છે .જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ભીડ વ્યવસ્થાપન માટે પોલીસને અગાઉથી જાણ કરવી ફરજિયાત
આ દુર્ઘટના અંગે એસપી. કે.વી. મહેશ્વર રેડ્ડીએ જણાવ્યું હતું કે મંદિરના આયોજકોએ કાર્યક્રમ પહેલા ફરજિયાત પરવાનગી મેળવી ન હતી કે પોલીસ સુરક્ષા માટે અરજી કરી ન હતી. તેમણે કહ્યું, “શ્રધ્ધાળુની સંખ્યા ગમે તેટલી હોય, મંદિરો અથવા ધાર્મિક સંસ્થાઓએ ભીડ વ્યવસ્થાપન માટે પોલીસને અગાઉથી જાણ કરવી ફરજિયાત છે. રેડ્ડીના જણાવ્યા મુજબ શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર એક ખાનગી મંદિર છે અને યોગ્ય મંજૂરી વિના તેનું સંચાલન કરવામાં આવી રહ્યું હતું. તેમણે કહ્યું કે સંચાલકોએ સલામતીના નિયમોનું પાલન કર્યું ન હતું. જેના પગલે પોલીસે ફરિયાદ નોંધીને કાયર્વાહી પણ હાથ ધરી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં શનિવારે એક અત્યંત દુ:ખદ ઘટના બની હતી. જેમાં કાશી બુગ્ગા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ મચી જતા નવ ભક્તોના કરુણ મોત થયા છે. જેમાં મોટા ભાગની મહિલાઓ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ દુઃખદ ઘટનામાં થયેલા શ્રદ્ધાળુઓના મોત અંગે મામલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે પીએમઓ દ્વારા મૃતકોના પરિવારને બે લાખ રૂપિયાની સહાયની પણ જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો…આંધ્રપ્રદેશ મંદિર નાસભાગ મામલે રાષ્ટ્રપતિ અને PM મોદીએ કરી પોસ્ટ, જાણો કેટલી સહાય જાહેર થઈ…



