
હૈદરાબાદ: આંધ્ર પ્રદેશના કુરનૂલ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ૩૨ લોકોના મોત થયા હોવાની આશંકા છે. આ ઘટના ત્યારે બની જ્યારે કાવેરી ટ્રાવેલ્સની એક ખાનગી બસ હૈદરાબાદ-બેંગલુરુ હાઇવે પર એક બાઇક સાથે અથડાઈ, જેના કારણે બસમાં આગ લાગી ગઈ હતી.
અકસ્માતની ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસ ગણતરીની મિનિટોમાં જ આગની લપેટમાં આવી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં ૪૪ મુસાફરો સવાર હતા. ૧૨ મુસાફરો કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જ્યારે બાકીના લોકો બસની અંદર ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડ અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યમાં લાગી હતી, પરંતુ હાલમાં સત્તાવાર રીતે મૃત્યુઆંકની પુષ્ટિ કરવામાં આવી નથી.
આ ઘટના વહેલી સવારે લગભગ ૩:૩૦ વાગ્યે બની હતી, જ્યારે ટ્રાવેલ્સની બસ હૈદરાબાદથી બેંગલુરુ જઈ રહી હતી. કુરનૂલ શહેરની બહાર નેશનલ હાઇવે પર બસ એક મોટરસાયકલ સાથે અથડાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, “ટુ-વ્હીલર બસની નીચે ફસાઈ ગયું અને ફ્યુઅલ ટેન્ક સાથે અથડાયું હતું.
જેના કારણે તરત જ ધડાકો થયો હતો અને આગ આખા વાહનમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી.” અકસ્માત સમયે મોટાભાગના મુસાફરો સૂઈ રહ્યા હતા. કેટલાક મુસાફરો અચાનક આગ લાગવાથી જાગી ગયા અને બારીઓ તોડીને બહાર કૂદી જવામાં સફળ રહ્યા હતા, પરંતુ ઘણા લોકો અંદર જ ફસાયા કારણ કે આગે ગણતરીની મિનિટોમાં આખી બસને ઘેરી લીધી હતી.
આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર શોક અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે વહીવટીતંત્રને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા અને રાહત કાર્યને ઝડપી બનાવવાના નિર્દેશ આપ્યા છે.
આ પણ વાંચો…લુધિયાણામાં એક ઘરમાં બ્લાસ્ટ થતા 15થી વધારે લોકો દાઝ્યા, સ્થાનિકોએ જણાવી વિસ્ફોટની હકીકત



