આંધ્ર પ્રદેશના ભાજપના સાંસદનો કમાલ, ડેમનો કૉન્ટ્રેક્ટ મળ્યા બાદ ખરીદ્યા ઈલેક્ટોરલ બોન્ડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંધ્ર પ્રદેશના ભાજપના રાજ્યસભાના સંસદસભ્ય સી. એમ. રમેશ દ્વારા સ્થાપવામાં આવલી કંપનીને હિમાચલ પ્રદેશમાં સુન્ની હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ માટેનો રૂ. 1098 કરોડનો એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને ક્ધસ્ટ્રક્શન (ઈપીસી)નો કૉન્ટ્રેક્ટ મળ્યાના અઠવાડિયામાં તેમણે રૂ. પાંચ કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા, તે સમયે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીઓ હતી. બે મહિના બાદ તેમણે ફરી એક વખત રૂ. 40 કરોડના ઈલેક્ટોરલ બોન્ડની ખરીદી કરી હતી.
રિત્વીક પ્રોજેક્ટ્સ પ્રા. લિ. (આરપીપીએલ) નામની આ પ્રાઈવેટ કંપની હૈદરાબાદમાં 31 માર્ચ, 1999માં સ્થાપવામાં આવી હતી અને તેને 14 જાન્યુઆરી, 2023ના રોજ ઈપીસી કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે આ જ કંપની દ્વારા ઉત્તરાખંડમાં તપોવન વિષ્ણુપ્રયાગ હાઈડ્રો-ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટમાં રસ્તો તૂટી પડવાને કારણે જોશીમઠમાં ભારે હાલાકી થઈ હતી અને આને માટે કંપની દ્વારા કરવામાં આવેલા ટનલિંગને દોષી ઠેરવવામાં આવ્યા બાદ આ કંપની વિવાદોમાં સપડાઈ હોવા છતાં કંપનીને કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હોવાથી શંકા ઉપસ્થિત થઈ રહી છે. કંપનીએ કૉન્ટ્રેક્ટ મેળવવા માટે ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.
કૉન્ટ્રેક્ટ મળ્યાના અઠવાડિયામાં એટલે કે 27 જાન્યુઆરી-2023ના રોજ આરપીપીએલે એક કરોડનું મુલ્ય ધરાવતા પાંચ બોન્ડ ખરીદ્યા હતા અને કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીની બરાબર પહેલાં એટલે કે 11 એપ્રિલ, 2023ના રોજ બોન્ડનો બીજો હિસ્સો ખરીદ્યો હતો, જેમાં એક કરોડના મુલ્યના 40 બોન્ડ ખરીદવામાં આવ્યા હતા.
રવિવારે મુંબઈમાં આવેલા કૉંગ્રેસના નેતા જયરામ રમેશે પણ આ સંસદસભ્યની કંપની દ્વારા ખરીદવામાં આવેલા ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ઉપસ્થિત કરતાં તેને ‘લાંચની રકમ’ ગણાવી હતી.