US Visa નહીં મળતા ડિપ્રેશનમાં: આંધ્ર પ્રદેશની મહિલા તબીબે ભર્યું અંતિમ પગલું?

અમરાવતી/હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશના ગુંટૂર જિલ્લામાં એક ૩૮ વર્ષીય મહિલા તબીબે યુએસ વિઝા ન મળતા ડિપ્રેશનને કારણે હૈદરાબાદમાં તેના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી. આ જાણકારી એક પોલીસ અધિકારીએ આપી હતી.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના ૨૨ નવેમ્બરના પ્રકાશમાં આવી હતી. શહેરના બીજા વિસ્તારમાં રહેતા તેમના પરિવારના સભ્યોએ કોઇ જવાબ ન મળતા દરવાજો તોડ્યો ત્યારે મહિલા તબીબ મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે રવિવારે જણાવ્યું કે મૃતક રોહિણીએ દરવાજો ખોલ્યો નહીં ત્યારે ઘરકામ કરતી નોકરાણીએ તેના પરિવારને આ વિશે જાણ કરી હતી.
અધિકારીએ પ્રારંભિક માહિતીના આધારે જણાવ્યું કે તેણીએ શુક્રવારે રાત્રે ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ અથવા પોતાને ઇન્જેક્શન આપ્યું હોવાની શંકા છે. જો કે મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કારણ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
ઘરમાંથી મળેલી સુસાઇડ નોટમાં તેણી ડિપ્રેશનમાં હોવાનું અને વિઝા અરજી નામંજૂર થઇ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મૃતકની માતાએ જણાવ્યું કે તેની પુત્રી અમેરિકામાં નોકરી કરવાની આતુરતાથી રાહ જોઇ રહી હતી, પરંતુ વિઝા નામંજૂર થતાં તે હતાશ થઇ ગઇ હતી.
તેણીએ જણાવ્યું કે તેની પુત્રીએ લગ્ન કર્યા ન હતા. તેણીએ પોતાની જાતને સંપૂર્ણપણે તબીબી કારકિર્દી માટે સમર્પિત કરી દીધી હતી. તેણીએ ૨૦૦૫થી ૨૦૧૦ દરમિયાન કિર્ગિસ્તાનમાં એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. દરમિયાન ચિલકલગુડા પોલીસે કેસ નોંધ્યો છે.



