અંદમાન અને નિકોબાર ટાપુ માટે ‘ચક્રવાત’ની ચેતવણી જારી

પોર્ટ બ્લેરઃ ભારતીય હવામાન વિભાગ(આઇએમડી)એ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણને કારણે અંદમાન અને નિકોબાર ટાપુઓ માટે ચક્રવાતી તોફાનની ચેતવણી જારી કરી છે. આ જાણકારી અધિકારીઓએ સોમવારે આપી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હવામાન પ્રણાલીને ધ્યાને લઇને સ્થાનિક બંદરો પર ચેતવણી જારી કરવામાં આવી છે. જેના કારણે ૨૩ ઓક્ટોબર સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે. એક અધિકારીએ કહ્યું કે નિકોબાર ટાપુઓ પર એક કે બે જગ્યાએ ભારે વરસાદ(૭-૧૧ સેમી) થવાની સંભાવના છે. ૨૧,૨૨ અને ૨૩ ઓક્ટોબરના રોજ અંદમાન અને નિકોબાર ટાપુઓ પર એક કે બે જગ્યાએ ભારે પવન(૪૦-૫૦ કિમી પ્રતિ કલાક) સાથે વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે.
આ પણ વાંચો: જાણો અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન ‘શક્તિ’ની લેટેસ્ટ અપડેટ..
તેમણે જણાવ્યું કે ૨૨ થી ૨૩ ઓક્ટોબર સુધી અંદમાન સમુદ્રમાં ૩૫-૪૫ કિમી પ્રતિ કલાકથી લઇને ૫૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે. આગામી પાંચ દિવસ દરમિયાન સમુદ્રની સ્થિતિ તોફાની રહેવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. તેમજ માછીમારોને ૨૪ ઓક્ટોબર સુધી અંદમાન સમુદ્ર અને અંદમાન અને નિકોબાર કિનારાની આસપાસ સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. તેમજ પ્રવાસીઓ અને સામાન્ય લોકોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. સાથે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલી તમામ સલામતી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.