5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણીપંચે બોલાવી મહત્વની બેઠક
આ વર્ષના અંત સુધીમાં દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓની તારીખોની જાહેરાત થાય તે પહેલા ચૂંટણીપંચે એક મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ચૂંટણી કાર્યક્રમોનું સંચાલન સફળતાપૂર્વક પાર પાડવા અંગે ચર્ચા કરવામાં આવશે.
કહી શકાય કે આ બેઠક પૂર્ણ થયા બાદ ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થશે. ચૂંટણી પંચની વિવિધ ટીમ રાજસ્થાન, મિઝોરમ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી ચૂક્યું છે. હાલમાં એક ટીમ તેલંગાણા ખાતે સમીક્ષા કરી રહી છે. તમામ રાજ્યોમાં સુવ્યવસ્થિત રીતે ચૂંટણીનું આયોજન પાર પડે એ માટે બેઠકમાં રણનીતિ તૈયાર કરવામાં આવશે.
આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી યોજાય તેવી સંભાવનાઓ છે. આ રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે જાન્યુઆરીમાં પૂર્ણ થઇ રહ્યો છે. જ્યારે મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ 17 ડિસેમ્બરે સમાપ્ત થઇ રહ્યો છે.