નેશનલ

અમૂલનો ‘કેમલ મિલ્ક’ પ્લાન ફ્લોપ? સરહદ ડેરીને નુકશાન, ઊંટ પાલકો મુશ્કેલીમાં

ભુજ: વિશ્વની સૌથી મોટી કો-ઓપરેટીવ ડેરી અમૂલ પ્રોડક્ટની વિશાળ શ્રેણી ધરાવે છે. વર્ષ 2019માં અમુલ બ્રાન્ડ હેઠળ ભારતમાં પહેલીવાર ઊંટડીના દૂધનું વેચાણ શરુ કરવામાં આવ્યું હતું. અમુલે ઊંટડીના દૂધનું એ રીતે માર્કેટિંગ શરુ કર્યું હતું કે તેનું સેવન સ્વાસ્થ્યમાં માટે ખુબ જ ફાયદાકારક છે. એવા પણ વચનો આપવામાં આવ્યા હતાં કે ઊંટ પાલકોને આર્થિક ફાયદો થશે. એવામાં અહેવાલ છે, બજારમાં ઊંટડીના દૂધની માંગ ઉભી થઇ શકી નથી જેને કારણે આ સંપૂર્ણ યોજના નિષ્ફળતા તરફ આગળ વધી રહી છે.

વર્ષ 2019માં કચ્છની સરહદ ડેરીએ ઊંટ પલકો પાસેથી દૂધ ખરીદવા અને પ્રોસેસ કરવાનું શરુ કર્યું હતું, જેનું માર્કેટિંગ અમૂલ બ્રાન્ડ હેઠળ શરુ કરવામાં આવ્યું હતું.

ગાયના દૂધ કરતા ઊંટડીના દૂધ ફાયદાકારક:
એ સમયે અમૂલે જણાવ્યું હતું કે ગાયના દૂધ કરતા ઊંટડીના દૂધમાં વધુ આયર્ન, પ્રોટીન અને વિટામીન C હોય છે અને ફેટ પણ ઓછો હોય છે. એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે ઊંટડીના દૂધમાં ઈન્સ્યુલિન જેવા તત્વો હોય છે, જે ટાઈપ-1 અને ટાઈપ-2 ડાયાબીટીસ સામે લડવામાં મદદ કરે. ઊંટડીના દૂધથી રોગપ્રતિકારક શક્તિ વધવા, બેડ કોલેસ્ટ્રોલ ઘટવા અને હ્રદયરોગનું જોખમ ઘટવાનનો પણ દાવો કરવામાં આવ્યો હતો.

અમુલની યોજના:
અમુલે ઊંટડીના દૂધનાં ફાયદા ગણાવીને માર્કેટિંગ શરુ કર્યું હતું. અમૂલે બાદમાં ઊંટડીનું ફ્લેવર્ડ દૂધ, ઊંટડીના દૂધનો આઈસ્ક્રીમ અને ચોકલેટ જેવી પ્રોડ્કટ પણ શરુ કરી હતી. અમુલને આશા હતી કે લોકો આ દૂધ ખરીદશે અને ઊંટ પાલકોને પણ સ્થિર આવકનો સ્ત્રોત ઉભો થશે. અમુલે કચ્છ બાદ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના ઊંટ પાલકો પાસેથી દૂધ ખરીદવાની યોજના બનાવી હતી. એક અખબારી અહેવાલ મુજબ આમૂલની યોજના ધાર્યા પ્રમાણે આગળ વધી શકી નથી.

સરહદ ડેરી દૂધ ખરીદી રહી નથી:
એક અહેવાલ મુજબ કચ્છમાં પણ ઊંટડીના દૂધનું જેટલું ઉત્પાદન થઇ રહ્યું છે, સરહદ ડેરી એટલું દૂધ પણ ખરીદી રહી નથી. કચ્છના ઊંટ પાલકોના જણાવ્યા મુજબ તેમને મળેલા વચનનું પાલન થયું નથી, તેમને ખાસ આર્થિક લાભ થયો નથી.

દૂધની ખરીદીમાં સામાન્ય વધારો:
અહેવાલ મુજબ ઊંટડીના દૂધ અને તેમાંથી બનતી પ્રોડક્ટ્સનું માર્કેટિંગ યોગ્ય રીતે થઇ શક્યું નથી.
અહેવાલ મુજબ વર્ષ 2019-20 માં, સરહદ ડેરીએ દરરોજ સરેરાશ લગભગ 4,200 લિટર ઊંટડીનું દૂધની ખરીદી કરી હતી. આ વર્ષે આ ખરીદીમાં સામાન્ય વધારો થયો છે, હાલ ડેરી 350 ઊંટ પાલકો પાસેથી દરરોજ સરરાશ 5,000 થી 5,500 લિટર ઊંટડીનું દૂધનું દિવસ ખરીદી રહી છે.

સરહદ ડેરીને નુકશાન:
સરહદ ડેરીના પદાધિકારીએ અગ્રેજી ભાષાના એક પ્રમુખ અખબાર સાથે વાત કરતા જણાવ્યું કે આ તેમના માટે ખોટનો ધંધો છે. ડેરી ઊંટ પાલકોને પ્રતિ લિટર રૂ.51 ચૂકવી રહી છે, જે ખૂબ જ વધારે છે. બીજી તરફ ઊંટડીનાં દૂધની માંગ અપેક્ષા મુજબ વધી નથી, વધારાનું 25% થી 30% દૂધ ખરીદી શકે એમ નથી. ડેરીને દૂધ વેચવા ઈચ્છતા ઊંટ પાલકોને પણ મનાઈ કરવી પડી રહી છે.

ઊંટ પલકોને ફાયદો ન થયો:
કચ્છના એક ઊંટ પલકના જણાવ્યા મુજબ તેમની પાસે 20 ઊંટ છે, જે દરરોજ 10 થી 20 લિટર દૂધ આપે છે. નજીકમાં કોઈ ખરીદી કેન્દ્રો ન હોવાથી તેઓ દૂધ વેચી શકતા નથી.

અમુલ માર્કેટિંગ કરી શકી નહીં:
પશુ પાલકોને ડેરી સાથે જોડતા કચ્છના એક NGOના ડિરેક્ટરના જણાવ્યા મુજબ સરહદ ડેરીએ જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું છે, પરંતુ અમુલે માર્કેટિંગ માટે પૂરતા પ્રયાસો કર્યા નથી. અમુલ માટે દરરોજ માત્ર 5,000 લિટરનો જથ્થો ખૂબ જ નાનો છે, કદાચ એટલા માટે તેને પ્રાથમિકતા આપવામાં નથી આવી રહી.

આપણ વાંચો:  ભુજમાં લાખોના નફાની લાલચે વધુ એક શિકાર: સાયબર ઠગ ટોળકીએ નોકરિયાત યુવકના ૧૬ લાખ સાફ કર્યા

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button